બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ભાગળ ગામમાં બનેલી એક ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. એક તરફ હિન્દૂ પરિવાર પર હુમલાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ હવે રાજકીય આગેવાનો પણ પીડિત પરિવારની પડખે ઊભા રહ્યા છે. પાલનપુરના ધારાસભ્યથી લઈને પૂર્વ ધારાસભ્ય સુધીના આગેવાનો ગામમાં પહોંચતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આપેલું નિવેદન પણ ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે લઘુમતી સમાજના કેટલાક લોકો દ્વારા એક હિન્દૂ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ પીડિત પરિવારને મળવા માટે ભાગળ ગામ પહોંચ્યા હતા. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલ સહિતના આગેવાનો ગામમાં પહોંચ્યા હતા અને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કડક શબ્દોમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આલિયા, માલિયા, જમાલિયા જે ધંધો કરો છો એ બંધ કરી દો.” વધુમાં તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હિન્દૂ સમાજને હેરાન કરવાનું કામ કરવામાં આવશે તો અમે ચૂપ બેસીશું નહીં. કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખાં છે અને કોઈને પણ કાયદો તોડવાની છૂટ નથી.
શશીકાંત પંડ્યાએ પોતાના નિવેદનમાં સિંહનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, સિંહ સુતેલો હોય અને વારંવાર તેની પૂંછડી પર પગ મૂકીને તેને હેરાન કરવામાં આવે, તો જ્યારે સિંહ જાગશે ત્યારે તેની પ્રતિક્રિયા શું હશે તે સૌ કોઈ જાણે છે. તેમના આ નિવેદનથી ભાગળ ગામની ઘટનાને લઈને રાજકીય માહોલમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે અને આગળ પણ યોગ્ય કામગીરી કરશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી તંત્રની છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
આ દરમિયાન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અન્ય આગેવાનોએ પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. પરિવારની વાત સાંભળી તેમને હિંમત આપી હતી. ભાગળ ગામમાં બનેલી આ ઘટનાને પગલે હવે સ્થાનિક સ્તરે રાજકીય આગેવાનોની અવરજવર વધી છે. પીડિત પરિવારને ન્યાય મળે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઊઠી રહી છે.




































