અમદાવાદના એલ.ડી. આર્ટ્‌સ કોલેજ કેમ્પસમાં ૧થી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ૪૮મો સપ્તક વાર્ષિક સંગીત મહોત્સવ યોજાશે. સપ્તક દ્વારા આયોજિત આ મહોત્સવમાં ૪૩થી વધુ સત્રો અને ૧૫૦થી વધુ કલાકારો ભાગ લેશે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને ઉજાગર કરતો આ ઉત્સવ નવા વર્ષના આરંભે સંગીતપ્રેમીઓને સંગીતમય અનુભવ આપશે.
મહોત્સવની શરૂઆત પંડિત નંદન મહેતા શાસ્ત્રીય તાલ-વાદ્ય સ્પર્ધા ૨૦૨૬ના પ્રથમ પુરસ્કાર વિજેતા ઉમાકાંત દેશમુખના મંગલ-વાદ્ય પખાવજ પ્રસ્તુતિથી થશે. જાણીતી કથક કલાકાર અદિતિ મંગળદાસની એકલ પ્રસ્તુતિ ઉપરાંત, બનારસ અને લખનૌ ઘરાનાની પરંપરાનું પ્રતિનિધિત્વ કરતી વિશાલ કૃષ્ણ અને રાગિણી મહારાજની કથક જુગલબંદી પણ રજૂ થશે. તબલાવાદક કુમાર બોઝની એકલ પ્રસ્તુતિ પણ મહોત્સવનું આકર્ષણ રહેશે.
આ વર્ષે ૧૫થી વધુ કલાકારો પ્રથમ વખત મહોત્સવમાં રજૂઆત કરશે. યુવા કલાકારોની વિશેષ પ્રસ્તુતિઓમાં સંતૂર-વાંસળી જુગલબંદી, જસરંગી, સિતાર-સરોદ જુગલબંદી અને પર્કશન તિગલબંદીનો સમાવેશ થાય છે. ઉપરાંત, ૧૫થી વધુ પ્રસ્તુતિઓમાં એક જ પરિવારના કલાકારો સાથે રજૂઆત કરશે, જે ગુરુ-શિષ્ય પરંપરા અને ઘરાના પરંપરાની સાતત્યતા દર્શાવે છે.
મહોત્સવમાં માલિની અવસ્થી અને રીટા દેવની અર્ધશાસ્ત્રીય સંગીત પ્રસ્તુતિઓ, મહેશ કાલેનું શાસ્ત્રીય ગાયન, મરાઠી લોકસંગીત અને અભંગવાણીનું સંયોજન, તેમજ વાસિફુદ્દીન ડાગર અને ગુંદેચા બંધુઓની ધ્રુપદ પ્રસ્તુતિઓ યોજાશે. કર્ણાટક સંગીતમાં જયંતી રવિ અને ટીમની સંયુક્ત રજૂઆત તથા યુ. રાજેશ અને રાજેશ વૈદ્યની માંડોલિન-વીણા જુગલબંદી પણ સામેલ છે. તબલા-મૃદંગ કીર્તનનું આયોજન સુરેશ તલવલકરે કર્યું છે.
સપ્તક આ મહોત્સવમાં સ્થાનિક સંગીતકારો અને નવા કલાકારોને પણ મંચ આપશે. સંગીત સંકલ્પ સપ્તાહના અગાઉના સત્રમાં રજૂઆત કરનારા ત્રણ કલાકારો આ વર્ષે મહોત્સવમાં ભાગ લેશે. સપ્તક આર્કાઇવ્સમાં ૩૨,૦૦૦થી વધુ આૅડિયો ફાઇલો અને ૩,૫૦૦થી વધુ વીડિયો ફાઇલોનો સંગ્રહ છે; વધુ ૧,૫૦,૦૦૦થી વધુ જૂનાં રેકો‹ડગ્સનું ડિજિટાઇઝેશન અને સૂચિકરણ ચાલી રહ્યું છે.
સંસ્થાએ સંગીતકાર ગૌરાંગ વ્યાસ, માંડોલિનવાદક અને સંગીતકાર ઈમુ દેસાઈ, મૃદંગમવાદક શ્રીધર પાર્થસારથી, ગાયિકા ઉસ્તાદ દિલશાદ ખાન અને સિતારવાદક પંડિત મણિલાલ નાગને શ્રદ્ધાંજલિ અર્પી છે.
મહોત્સવની વિગતવાર સમયસૂચિ અને માહિતી ટૂંક સમયમાં સપ્તકની સત્તાવાર વેબસાઇટ અને તેના સામાજિક માધ્યમો પર ઉપલબ્ધ થશે.