હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો સીમાંકનનો છે. કેન્દ્ર સરકારે રાજ્યની વિધાનસભા અને લોકસભામાં પ્રજા પ્રતિનિધિઓની સંખ્યા વધારવા માટે તા.૩૦, નવેમ્બરથી ૩, ડિસેમ્બર સુધી સંસદમાં ચર્ચા માટે સત્ર બોલાવ્યું છે. ગુજરાતમાં નવા સીમાંકન બાદ લોકસભાની ૧૩ બેઠકો વધતા કુલ લોકસભાની બેઠકો ૩૯ સુધી પહોંચશે. જ્યારે વિધાનસભા બેઠકોમાં ૯૧નો વધારો થતા કુલ સંખ્યા ૨૭૩ બેઠકો સુધી પહોંચશે.
હાલ ગુજરાત રાજ્યમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠકો અને લોકસભાની ૨૬ બેઠકો છે. વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો ૧૯૭૫થી યથાવત રહી છે, જે નવા સીમાંકન બાદ વધશે. હાલ એનડીએ સરકારે રાજ્યોની વિધાનસભા અને લોકસભા બેઠકોમાં વધારા માટે નવા સીમાંકન માટે બંધારણીય સુધારા માટે સંસદમાં સત્ર અંતર્ગત ચર્ચાનું આયોજન કર્યું છે. હાલ સંભવિત બદલાવને જોતા જો હયાત બેઠકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો કરાય તો રાજ્યની વિધાનસભા બેઠકોની સંખ્યા ૨૭૩ બેઠકો થાય. એવી જ રીતે લોકસભાની ૨૬ બેઠકોમાં ૧૩ બેઠકોનો વધારો થતા સીમાંકન બાદ સંખ્યા ૩૯ થાય. નવા સીમાંકનના અમલ બાદ રાજ્ય વિધાનસભા અને સંસદમાં સંખ્યબળ વધવાની સાથે મહિલા પ્રતિનિધિત્વ પણ વધશે. જેથી રાજ્યના રાજકારણમાં પાયાથી બદલાવ આવશે. સંસદમાં નવા સીમાંકનની પ્રક્રિયા બંધારણના પેરા ૮૧ અને ૮૨ થકી કરવામાં આવશે. જે અન્વયે રાજ્યોની બેઠકોનો ગુણોત્તર વસ્તીની સરખામણીએ હોવો જોઈએ.
નવા સીમાંકન બાદ વિધાનસભા બેઠકો અને સંસદની બેઠકોની સંખ્યા વધવાની સાથે મહિલા પ્રતિનિધિઓની સંખ્યામાં પણ વધારો થશે. દેશ અને ગુજરાતમાં ૩૩ ટકા મહિલા અનામતના અમલ નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ પડશે. જેના કારણે મહિલાઓને ૩૩ ટકા રાજકીય અનામત મળશે. નારી શક્તિ વંદન અધિનિયમ જે બંધારણનો ૧૦૬મો સુધારો છે, જે મહિલાઓને ૩૩ ટકા રાજકીય ભાગીદારી આપે છે. એટલે કે મહિલાઓને ૩૩ ટકા મહિલા અનામતની વ્યવસ્થા સર્જે છે. મહિલા અનામતના અમલ બાદ રાજ્યની કુલ સંભવિત ૩૯ લોકસભા બેઠકોની સંખ્યા પૈકી ૧૩ બેઠકો મહિલા અનામત તરીકે રહેશે. નવા પ્રસ્તાવિત સીમાંકનની અસરથી રાજ્યમાં કુલ વિધાનસભા બેઠકો ૨૭૩ સુધી પહોંચશે, જે પૈકી ૯૧ બેઠકો મહિલા માટે અનામત રહેશે. નવા સીમાંકનના કારણે બદલાયેલી રાજકીય સ્થિતિના કારણે રાજ્યનું રાજકારણ બદલાશે.
નવા પ્રસ્તાવિત સીમાંકન અધિનિયમથી રાજ્યના શહેરી વિસ્તારોની બેઠકો વધશે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના વિસ્તારોમાં મતક્ષેત્રની સીમા પણ બદલાશે. જેની સીધી અસર ચૂંટણીલક્ષી રાજકારણ ઉપર પડશે. નવી બેઠકોની રચના અને તેના જ્ઞાતિગત સમીકરણો શહેરી રાજકારણ અને બેઠકોને પ્રભાવિત કરશે. હયાત ધારાસભ્યો અને સાંસદની બેઠકો જો જ્ઞાતિગત અનામત હેઠળ આવે કે મહિલા અનામત હેઠળ આવશે તો સત્તાકારણ બદલાશે. જેનાથી રાજકીય પક્ષોએ પોતાના રાજકીય વ્યૂહ બદલવા પડશે.





































