સુરતના ભેસ્તાન વિસ્તારમાં કરાટે ક્લાસીસમાં તાલીમ લેવા આવતી એક સગીરા સાથે બેડ ટચ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીન દ્વારા સગીરા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાને પગલે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ કરાટે ક્લાસીસ અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, પોલીસે આરોપી ટ્રેનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો કરાટે ક્લાસીસની બહાર એકઠા થયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. કાર્યકરોએ પોલીસને ઘટનાસ્થળે બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સંગઠનના આગેવાનો અને કાર્યકરો ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં પણ ઉગ્ર રજૂઆત કરી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા સાથે બેડ ટચના આરોપસર કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિરોધ દરમિયાન હિન્દુ સંગઠનોએ કરાટે ક્લાસીસને આપવામાં આવેલી તમામ મંજૂરીઓ અને દસ્તાવેજાની ઝીણવટભરી તપાસ કરવાની માગ કરી હતી. પ્રાથમિક તપાસમાં ક્લાસીસમાં ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ અને ઈમરજન્સી એક્જ્હટ ન હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ક્લાસીસને મંજૂરી કેવી રીતે મળી તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ ઘટના બાદ હિન્દુ સંગઠનોએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાનાં બાળકોને કરાટે કે અન્ય કોઈપણ પ્રકારની તાલીમ માટે મોકલતાં પહેલાં ક્લાસીસની વ્યવસ્થા, સુરક્ષા અને જરૂરી મંજૂરીઓ અંગે સંપૂર્ણ તપાસ કરે.
ઉધના જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી સંજયભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ગઈકાલે ઇન્સ્ટાગ્રામ પર ભેસ્તાનમાં ચાલતા જુડો-કરાટે ક્લાસનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમના જણાવ્યા અનુસાર, વીડિયોમાં ટ્રેનર દ્વારા છોકરીઓને જુડો-કરાટેની પ્રેક્ટીસ કરાવતી વખતે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાનું દેખાય છે.
તેમણે વહીવટીતંત્ર પાસે આ મામલે વહેલી તકે કાર્યવાહી કરવાની અને જુડો-કરાટે ક્લાસ બંધ કરાવવાની માગ કરી હતી. સાથે જ ક્લાસીસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે નહીં અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે નહીં તેની પણ તપાસ કરવાની માગ કરી હતી.



































