વડિયા ખાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લેઉવા કણબી પટેલ સમાજ વિરુધ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવતાં સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે સમાજના યુવાનો અને આગેવાનો એકજૂથ થઈ પોલીસ સમક્ષ લેખિત સામૂહિક અરજી રજૂ કરી હતી. જાહેર માધ્યમમાં સમગ્ર સમાજની માતાઓ અને બહેનો વિશે કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીને સમાજે ગંભીરતાથી લીધી હતી. રજૂઆતમાં જવાબદાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા લાગુ પડતા આઈટી એક્ટ હેઠળ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના સ્વાભિમાન અને મહિલાઓના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. બંધારણ અને કાયદામાં વિશ્વાસ રાખીને ન્યાય મેળવવા લડત ચાલુ રહેશે.