બાબાપુર નવોદય વિદ્યાલયના મુખ્ય દરવાજા સામે શનિવાર, તા.૨૮-૧૧-૨૦૨૬ના રોજ ટ્રક ઘૂસી જવાની ઘટના બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બગસરા તરફથી એક લક્ઝરી બસ સામેથી આવી રહી હતી. આ દરમિયાન લક્ઝરી બસને રસ્તો આપવા માટે ટ્રક ચાલકે ટ્રકને સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, આ પ્રયાસ દરમિયાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક સીધી નવોદય વિદ્યાલયના દરવાજા સામે ઘૂસી ગઈ હતી. બનાવ સમયે ટ્રક ચાલક ટ્રકની અંદર જ બેઠેલા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અત્રે નોંધનીય છે કે અમરેલીથી બગસરા સુધીનો નવીન માર્ગ ગોકળગાય ગતિએ ચાલતો હોવાથી છાશવારે અકસ્માતની ઘટના બનવા પામે છે.