રાખનાં રમકડાં
આકરામાં આકરી સજા તો તે પોતે હાલમાં ભોગવી જ રહ્યો હતો. લગ્ન પછી પોતાની પત્ની, પોતાની અર્ધાંગિનીને તે ક્યારેય સંતોષ તો આપી શક્યો ન હતો. ભલે તે તેની પત્ની શાંતુને હૃદયપૂર્વક પ્રેમ તો કરતો જ હતો, એમાં ના નહીં. પરંતુ ખાલી ખાલી પ્રેમ કરવાથી સામેના પાત્રને જાતીય સંતોષ થોડો મળે… ? એમ બોલવાથી કંઈ સંતોષ થોડો થાય ? એટલે તો આવો સંતોષ પ્રાપ્ત કરવા માટે શાંતુ રોજ રોજ ખૂબ ખૂબ તડપતી, ઝૂરતી અને તરફડતી રહેતી. ત્યારની તેની તડપન તદ્દન વિચિત્ર પ્રકારની દેખાતી રહેતી.
આ હર્યાભર્યા સંસારની તમામે તમામ સ્ત્રીના શરીરને તેના સમય પ્રમાણે, શરીરનું સાચું સુખ તો મળવું જ જોઈએ. તો પછી અમુક સમય સુધી આવું સુખ ન મળે તો એ સ્ત્રી આવું સુખ મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. આ તદ્દન સત્ય વાત છે. અને આના ઉદાહરણો લગભગ બધા જ સમાજમાં મોજુદ છે. હજુપણ આવા બનાવો બનતા રહેશે.
તો પછી દામલ તો અતિ વિચારશીલ વ્યક્તિ હતો. આવું તો બધું જ જ્ઞાન તેના મગજમાં ભર્યું પડ્‌યું હતું. બધી રીતે તેના વિચારો પણ ઉચ્ચ કક્ષાના હતા. પરંતુ પોતાના જ શરીરની નબળી લાચારી એ કોને કહે ? હા, તેની બધી વાત સાંભળવા વાળી વ્યક્તિ તો એકમાત્ર શાંતુ હતી. એટલે… એકવાર શાંતુને દામલે પોતાના શરીરની આવી નબળાઈ કે ક્ષતિની વાત કરવાની ઈચ્છા થઈ. તેણે આ વાતની શરૂઆત પણ શાંતુ સામે કરી. પરંતુ એ સમયે શાંતુએ જ સામે ચાલી કહ્યું:
“નવા નવા લગ્ન થયાં હોય, બધું નવું નવું હોય એટલે આવું આવું થાય, આમાં મૂંઝાવાની જરાય જરૂર નથી… દામલ ! થોડો સમય જતાં બધું સરખું થઈ જશે.
તારે આવી ચિંતા કરવાની નથી, અને બીજું, હું તારાથી ખૂબ ખુશ છું ને મને તારાથી સંતોષ પણ મળે છે. પછી બાળકની તું આવી ચિંતા શા માટે કરે છે… ?”
એટલે પછી દામલે આજ સુધી પોતાની અંગત વાત શાંતુને કરી જ નહીં. શાંતુની આવી વાતથી દામલને મનમાં મનમાં એમ થયું કે, ખરેખર શાંતુને મારાથી સંતોષ થતો હશે… ? કે પછી તે એમ જ મને સારું લગાડવા માટે ખોટું બોલી હશે… ?
આવા થોકબંધ વિચારો દામલ ક્યાંય સુધી કરતો રહ્યો. તે ખૂબ જ થાકી ગયો હોવા છતાં વિચારો તેનો કેડો મૂકતા ન હતા. એટલે તે પથારીમાંથી બેઠો થયો. બાથરૂમ જઈ આવ્યો. થોડું પાણી પીધું. પછી આવતા વિચારોથી છુટકારો મેળવવા માટે તેણે તેની અંગત ડાયરી હાથમાં લીધી.
જેવી ડાયરી તેણે હાથમાં લીધી, હાથમાં પકડી એ સાથે જ તરત જ જ્યોતિ તેની સામે આવીને ઊભી રહી ગઈ. કારણ કે જ્યોતિને દામલની આ ડાયરી પહેલાંથી જ ખૂબ ખૂબ ગમતી, અને ડાયરીના શબ્દ શબ્દ તેણે વાંચ્યા પણ હતા. જ્યોતિ સાથે તો કંઈ કેટલીયે વાર દામલે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારે તો તેને આવું કંઈ થતું ન હતું. વળી દામલના અનેરા જોસ, જોર અને અસહ્ય આવેશમય તાકાતથી તૃપ્ત થતી જ્યોતિ તો ખૂબ ખૂબ હસવા લાગતી અને પછી કહેતી પણ ખરી ઃ “બસ… બસ… હવે રહેવા દે દામલ, તારા જેટલી તાકાત, તારા જેવો આવેશ, તારા જેટલું જોસ તો મેં વિજય પાસેથી ક્યારેય અનુભવ્યું જ નથી. મારા એ તો ખાલી ખાલી બહારની રમત જ રમ્યા કરતા, આખી રાત…”
કદાચ આવું જ કથન અત્યારે શાંતુએ જો કોઈ બીજા છોકરાને કહ્યું હશે તો…? – આવા વિચારે દામલને દુઃખી દુઃખી કરી દીધો. તો પણ આખરે એ શું કરે ?
હા, આખરે શાંતુ પણ એક સ્ત્રી જ હતી. દામલથી તે તૃપ્ત થતી હશે કે નહીં…? કોણ જાણે…! – આમ આવા વિચારે વળી દામલ મૂંઝાયો:
થોડા દિવસ પહેલાં જ ખૂબ મોંઘુ અને આકર્ષક એવું કિંમતી લેડીઝ પર્સ મહેશના રૂમમાં દામલે જોયું હતું. સ્વાભાવિક છે કે, આવા સંસ્કારી અને હોંશિયાર છોકરાના રૂમમાં આટલું બધું મોટું અને મોંઘુદાટ પર્સ ક્યાંથી આવે? હા… કોઈ એવા આવારા છોકરા હોય તો આવી ઘટના બને. પરંતુ મહેશ તો ખૂબ જ હોંશિયાર અને સારા સંસ્કારી ઘરનો છોકરો હતો. એ કંઈ આડી લાઈનનો છોકરો નહોતો.
ને બીજું, અત્યારે તે હાલી-ચાલી શકવા માટે અસમર્થ અને અસક્ત હતો. તો પછી તેના ગળે ચાંદલો કેમ ચોંટ્યો હશે ? આજ આ બે બનાવ નજર સામે જોયા પછી જ દામલની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એ આને કારણે અતિ ચિંતિત થયો હતો. કારણ કે આ ઘરમાં સ્ત્રી માત્ર એક શાંતુ જ હતી. તો શું શાંતુના કપાળ પરનો ચાંદલો મહેશના ગળા પર… (ક્રમશઃ)