રાખનાં રમકડાં
જ્યોતિના એક સાચા પ્રેમી તરીકે હું તો સાવ લબાડ જ સાબિત થયો. તેના માટે હું શું કરી શક્યો ? કંઈ જ નહીં, તો તેણે તો તેના પોતાના ભવિષ્યનું કંઈ પણ આગળ-પાછળનું વિચાર્યા વગર, પોતાનું અતિ સુંદર અને રસ ઝરતું આખેઆખું યુવાન શરીર મને તો સાવ મફતમાં અર્પણ કરી દીધું. કેટલું મહાન સમર્પણ ! આવું અઘરું કામ કંઈ છોકરી કરી શકે ? હા, તેને જે જોઈતું હતું તે તેને મળી ગયું એ વાત સાચી. પરંતુ આટલા અને આવા અંગદાન પછી પણ તેની હાલત તો અતિશય દયનીય થઈ જતી હોય તો…, આ ફરિયાદ કોને કરવી… ?
હેં પ્રભુ…! હેં દીનાનાથ… મને સઘળું દુઃખ દર્દ આપીને મારી જ્યોતિને સુખના સાગરમાં ઝબોળી દો. મનોમન આવી પ્રાર્થના કરતાં કરતાં અત્યારે દામલ સાચે જ રડવા લાગ્યો. તેની આંખે અંધારાં છવાયાં. થોડીવાર તો ડૂમા છાનાં હીબકાં પણ આવવા લાગ્યાં. પરંતુ આવું બધું ક્યાં સુધી… ?
દામલ ઊભો થયો. સામે પડેલી પાણીની બોટલ લઈ, મોઢે માંડી તેણે થોડું પાણી પીધું. ધીમે સ્વસ્થ થયો. ત્યાં વળી તેની નજર સામેની દીવાલ પર એકાએક સ્થિર થઈ.
જ્યાં ચાર બાય સાડા ચાર ફૂટની લેમીનેટેડ રંગીન તસવીર સામે એકીટશે તે ક્યાંય સુધી જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. તેને એવો ભાસ થયો કે, તસવીરમાંથી શાંતુ બહાર નીકળી, બે હાથ જોડીને આજીજી કરતાં બોલી રહી છે: ‘દામલ.. દામલ હવે તો મને એક બાળક આપ…’
નિયમ છે કે ભ્રમ પેદા થાય એટલે એ વ્યક્તિ ખૂબ જ ડરપોક બની જાય છે. આવા નિયમને લીધે જ દામલ ડરપોક બની ગયો હતો. ડરપોક બન્યો એટલું જ સાથે સાથે બીજી પણ એક ખામી તેના શરીરમાં ઘર કરી ગઈ. તેવામાં લગ્ન પહેલાં જે જોસ, જે જુસ્સો અને જે તાકાત સાથે ઉત્તેજના આગની જેમ ભભૂકિત હતી તે તેની લગ્ન પછી જાણે કે બધી જ શક્તિ સાવ ક્ષીણ થઈ ગઈ, બધી જ ગરમી ને ઉષ્ણની ઉત્તેજના સદંતર નાશ પામી ગઈ. આ ફેરફાર થવાના લીધે જ શાંતુને તે ક્યારેય પરિતૃપ્ત કરી શકેલ નહીં. આવા ફેરફારની ખબર એટલે કે જાણ દામલને તો હતી જ. પરંતુ આમ કુદરતી રીતે આવી શારીરિક ક્ષતિ પોતાનામાં આવતા દામલ મનથી મનમાં ખૂબ જ મૂંઝાઈ રહ્યો હતો.
આવી અસહ્ય જાતીય બીમારીની સજા દામલને તો ઠીક, પરંતુ શાંતુને શું લેવા ભોગવવી પડે ? શાંતુએ એવો ક્યાં કોઈ મોટો ગુનો કર્યો હતો ? તો પછી હવે શું કરવું… ?
શાંતુની ચાહત, શાંતુનો નિર્દોષ ભર્યો ભર્યો પ્રેમ તો માત્ર ને માત્ર દામલ પ્રત્યે જ સીમિત હતો. તો પછી દામલનો પ્રેમ તેનાં લગ્ન પહેલાં માત્ર ને માત્ર જ્યોતિને જ સમર્પિત હતો. આ બધું તો સમજી શકાય. પરંતુ લગ્ન પછી પણ હજુ સુધી દામલ તો તેની જ્યોતિને ભૂલી શક્યો નહોતો. હા, જ્યોતિ ભૂલવા માટે દામલે અઢળક કોશિશ કરી હતી તેની ના નહીં. પરંતુ જ્યોતિનો દેહ, તેની કમનીય કાયા રસ નીતરતા લાલ લાલ હોઠ એવા હતા કે તે તેને ભૂલી ન શક્યો. એટલે એવા દૃશ્યે જ કદાચ દામલ સાચે જ કાપુરુષ બની ગયો હતો.
જ્યારે જ્યારે રતિક્રિડા સમયે સામાન્ય રીતે ઉત્તેજિત થયેલાં તેના તમામ અંગો શાંતુ સમક્ષ કાર્યરત થવા તૈયાર થતાં ત્યારે બરાબર એ જ ક્ષણે જ્યોતિનો ચહેરો તેની સામે ઉપસ્થિત થતો. અને જ્યોતિને દેખતાં જ તેના ઉત્તેજિત થયેલાં સબળ અંગો રબ્બર જેવા ઢીલાં પડી જતાં. પણ આવું થતાં દામલ ખૂબ ખૂબ રિબાતો. ખૂબ ખૂબ મૂંઝાતો, ને અતિ લાચાર અને અતિ મજબૂર થઈને શાંતુ જોઈને સાચુકલાં આંસુ પણ પાડતો. આવી અકથ્ય અને અસહનીય દામલની હાલત થઈ હતી. પણ તે બીજું શું કરે… ?
મોડી રાતના અતિ શાંત વાતાવરણમાં કિંમતી શય્યામાં ગરમ ગરમ શ્વાસોની આપ-લે થવા છતાં એકાએક આવી કફોડી હાલત દામલની થતાં બિચારી શાંતુ પથારીમાં પડી પડી છાનાં હીબકાં સાથે સીસકારા ભરતી. અને શાંતુની કામણગારી આંખો ઈશારા કરી કરી ચરમસુખ મેળવવા માટે રીતસર હાથ જોડીને આજીજી કરતી, રોતી, કકળતી અને પછી ભીની ભીની આંખે ઊંઘી જતી. આવું દુઃખ કોને કહેવું… ?
આમ દામલના વિચારો ઘડીયે ઘડી આમતેમ અલગ અલગ રસ્તે ફરતા રહ્યા. એટલે તો હવે તે પોતે જ પોતાની જાતને મહા અપરાધી ગણતો હતો. તો પછી આવા અપરાધની આકરી સજા શું હોઈ શકે… ?