(૧)કંઈ પોસ્ટ ઉપર બેસવા માટે ભણતરની જરા પણ જરૂર નથી પડતી?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
ઘણી બધી છે.પણ એ પોસ્ટ સુધી પહોંચવા માટે ભણતરની જરૂર પડે છે એટલે ભણવાનું ચાલુ રાખો.
(૨)ટીપણું તો અનાજ ભરવા માટે હોય પણ બ્રાહ્મણ તો ટીપણામાં જોઈને કેવી રીતે મૂહુર્ત જોઈ દેતા હોય છે?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
ઈ જ ખૂબી છેને!
(૩)પતિ હંમેશા પત્ની પર ગુસ્સો કેમ કરતો હોય છે?
બાલુભાઈ કિકાણી (લીલીયા મોટા)
અમારે આ બાજુ એનાથી ઊંધું થાય છે!
(૪)પેપર કદી ફૂટતું નથી છતાં પેપર કેવી રીતે ફૂટે છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઝંપલાવવાની ઈચ્છા છે કે શું?!
(૫) સોરી કોને કહેવાય?
મિતેશ સરવૈયા (ગળકોટડી)
અંગ્રેજી આવડતું હોય એને.
(૬) ટીપે ટીપે સરોવર ન ભરાય તો શું કરવું?
જય દવે (ભાવનગર)
ટીપડે ટીપડે ભરવા માંડો.
(૭) મારા પુત્રનું નામ ચતુર છે. એનો પ્રશ્ન છે કે તુરિયા અને ઘિસોડા વચ્ચે શું તફાવત?
રામભાઈ પટેલ (સુરત)
એને કયો કે બન્ને એક જ છે ચતુરિયા!
(૮) દવે સાહેબ તમે વેદ છો તો પણ તમે દવા કેમ આપતા નથી?
હનીફભાઇ ચોટલિયા (બાબરા)
આ તમે નવું લાવ્યા. કોઈક એમ પૂછતું હતું કે તમે પ્રકાશ છો તો દીવા કેમ નથી પ્રગટાવતા?! મારે કોનું માનવું?
(૯) મારો બુધ્ધિઆંક કેટલો હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
સાવ માઈનસમાં તો નહી હોય એવું લાગે છે.
(૧૦) લગ્ન પછી પતિનાં કાન કેમ તેજ થઇ જાય છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
કારણ કે જીભ નિસ્તેજ થઈ જાય છે.
(૧૧) સાહેબ..! જિંદગીમાં કાંઈ નવીન કરવું હોય તો શું કરવું?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આંગણવાડીમાં ભણવા બેસી જાઓ.
(૧૨) સાહેબ..! દિવાળી પછી માણસ નિષ્ક્રિય કેમ થઈ જાય છે?
ધોરાજીયા કેવિન એન.(સાજણટીંબા હાલ કેનેડા )
કાં ફૂટી ગયા હોય કાં સુરસુરિયા થઈ ગયા હોય એટલે.
(૧૩) વાંચતા આવડે પણ લખતાં ના આવડે તો શું કરવું ?
રાજુ એન. જોષી, ધરાઈ (બાલમુકુંદ)
મોબાઈલ સામે રાખી જોરથી વાંચો એટલે લખાતું જશે.
(૧૪) દિવાળી પર સુરતીલાલાઓ વતનમાં આવે ત્યારે સૌરાષ્ટ્રના શહેરોમાં લીલૂડા માંડવાની સંખ્યા કેમ વધી જાય છે?
કનુભાઈ પરમાર (દામનગર)
તમારે દિવાળી પર સુરત બાજુ જતા રહેવું..!
(૧૫) ગધેડે ગામ ગાંડુ કર્યુ આ કહેવત કોણે બહાર પાડી છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
કોઈ જાણકાર ગધેડાંને પૂછો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































