આટલું વાંચતા વાંચતા તો એ આખે આખી ભરાઈ આવી. એને ભૂતકાળના દિવસો યાદ આવી ગયા. જીવનમાં પહેલો જ પુરુષ અવિનાશ !
સવારની શણગારી રાખેલી માએ કહયું હતુ કે, ના પાડતી અમદાવાદની સારામાં સારી મફતલાલ ગુણવંતની પેઢીમાં નોકરી કરે છે. તારે બૈ, અમદાવાદ રહેવાનું ને જલસા કરવાના ! બાકી તો રાજપર, સુખવદર અને પીથલપરમાંય છોકરાવ છે પણ એકને પાનનો ગલ્લો છે, બીજો બારહમણીયું કરે છે અને ત્રીજો ટપાલી છે! એમાં શું પડવાનું બૈ ?
ગામડાની ધૂળ ખાઈખાઈને વહેલી ડોશી બની જઈશ. એની કરતા અમદાવાદની બજારૂમાં રાજરાણી બનીને ફરીશ. તારા બાપાના માસીયાઈ ભાઈ હસમુખભાઈના વળમાં જ છે. ના પાડીશ, તો અમદાવાદ જેવું ઠેકાણું પછી કયારેય હાથમાં નહી આવે અને ઉપરથી હસમુખભાઈ સાથે આપણો સંબંધ કપાઈ જશે. હજી તારાથી નાની ઢબૂને કયાંક નાખવી જોશેને ? અને ટીંડોરા જેવા તારા બે નાનાભાઈઓ પણ છે અને તુ એ બધાનો વિચાર કરજે. કહે છે કે એ છોકરાને બે ભાઈયુ ને એક બેન છે પણ કેટલા દિ ? બે વરસ, પાંચ વરસ ? પછી તો ડોહાનો બૂપકો ને ડોહીની તિજોરીની ચાવી તારી પાસે જ રહેવાની ને? થોડોક રેહ તો ખમવો પડશે. બાકી, સોનાનાં માટલાને રૂપાના બુઝારા છે.
હા.. તેણે નિઃશ્વાસ નાખ્યો: સોનું હતું પણ પિતળના વાસણોને કલઈ કરીને રાખે એવું ! થોડું ખોતરો તો અસલ રંગ જડી જ જાય ! એટલે જ થોડું ખોતર્યુ. કૈંક અલગ જોવા મળ્યું. પછી તો થોડું વધુ ખોતર્યુ
હદયમાં કૈંક અજૂગતુ બની રહયાની શંકા તો હતી જ. દેખતી આંખે જોતી તો લાગતું કે બારતેર વરસ પહેલા જોયેલો હતો એ જ પુરૂષ છે.
આ? પણ આંખો બંધ કરતી તો લાગતું કે ના ? આ એ નથી, કશુંક બદલાઈ ગયુ છે.
પહેલા તો મારી પાસે બેસીને મીઠી મીઠી વાતો કરતો. ખોળામાં માથુંનાખીને માથામાં તેલ નખાવતો. મારી ઉપરની ના ની અંદરની હા પારખી જતો એ પ્રેમીપતિ ? કે જેને મારા જવાબની રાહ નહોતી જોવી પડતી. ખાલી મારી આંખોના ભાવને પારખી શકતા.ે પ્રેમી પતિની આંખોને પારખવા મારી પાસે દ્રષ્ટી જ કયાં હતી? જે હતી એ તો ખાલી ડોળાં હતા. એનાથી તો અવળું સવળું દેખાય. આડું અવળું થોડું દેખાવાનું હતું?
સતત વલખાટભર્યુ મારું તનમન ચાંગબૂક પાણી પીવા તરસતું પણ મારી પ્યાસ કયાં બુઝાય એમ હતી ? એ ખોબો તો બીજા માટે હતો !
મારે માટે તો એમાંથી એક ટીપું પણ નહીં. આખરે ગંધ આવવા લાગી. કૈંક તો છે જ. અને પછી ખોતરી નાખ્યું. ઃ ‘હા, છે… બોલ શું કરી લઈશ તું?-
એ રાત્રે ખૂબ રડી.
શું કરી લેવાની હતી હું?
મારાથી કંઈ પણ થાય એમ તો નહોતું.
બાળકો પણ નાના હતા.
હું ઓશિકા ભીના કરતી રહી અને એક દિવસ એમણે બાર પાનાનું ખત કાઢીને કહયું ઃ સહી કરી દે આમાં… !
હવે તો ખાલી સહી જ કરી દેવાની હતી ને ? કોઈને પૂછવા તો જવાનું નહોતું. અને સહી કરું કે ના કરું. મારું સ્થાન તો ત્યાં જ હતું જે છેલ્લા ઘણાંય વરસોથી હતું.
છેલ્લા પાંચ વરસથી હું જે પલંગ પર સૂતી હતી ત્યાં એમના પગલાંની આહટ સંભળાઈ નહોતી કે નહોતો કદિ મારા માથા ઉપર થયેલો તેમનો સ્પર્શ ! હું તો સૂકાઈ ગયેલી નદી જ હતી, તો પછી એની ઉપર બંધ બાંધી જ દેવાનો હોય તો આખરે શું થઈ જવાનું હતું ? પાણી તો કદિ ત્યાં આવવાનું જ નહોતું. નદી મટીને બંજર જમીન બની જવાની હતી.
છૂટા કરી દીધા. પણ પછી કહયુ બાળકો નહીં આપું…
એમણે મોઘમ સ્મિત કર્યુ હતુ. હા, એ પણ વળગેલી લંગર જ હતી ને? બોલ્યા ઃ એ નહીં છીનવી લઉ તારી પાસેથી બસ ? પ્રોમિસ ??
તો પછી અમથુંય શું હતું મારી પાસે છીનવવા જેવું ?
જે કંઈ હતું એ તો ઘણાં સમયથી છીનવાઈ ગયું હતું.
હવે તો ખાલી ફોર્માલીટી પુરી કરવાની હતી !
પણ દુઃખ એ વાતનું થાય છે કે, મને છુટ્ટી કર્યા પછી મારી પાસે કોઈ ન આવ્યું દિલાસો આપવા ! ખૂબ રાહ જોઈ હતી. પરણીને આવી ત્યારે બે દિયર અને એક નણંદ હતા પણ ત્રણેયમાંથી કોઈ કદિપણ નો આવ્યા કે ભાભી શું કરે છે? બાળકોનું શું થયું? હું ખાલી એમને જ પરણી નહોતી પણ ઘરને પરણી હતી…..
આટલું લખ્યા પછી તય બંધાયો એનાથી હવે એનાથી રહીજ ના શકાયું. છુટ્ટે મ્હોં એ રડી પડી. હાડોહાડ ધ્રુસકા વહેવા લાગ્યાં.
દિયરે લખ્યું હતું: ‘ ભાભી, જેટલા એ તમારા ગુન્હેગાર છે એટલા અમે ત્રણેય ભાઈ બહેન પણ છીએ. પણ પાટા તો અમારી આંખોએય બંધાયેલા હતા. તમે પારકાં હતા પણ અમારા બાપનાં લોહીના વારસા જેવા અમારા બન્ને ભત્રીજા કયાં પારકાં હતાં ? કેવા ઠેબાં ખાધા હશે ? કેટલા દુઃખ અને દરદ વેઠયા હશે? એ તો કલ્પના કરું છું ત્યાં રડી પડાય છે અને અમે અભાગિયા સગ્ગા કાકા ઉઠીને એમના મોઢા જોવા ય ન આવી શકયા ?
ભાભી, લ્યાનત છે અમારા જીવતરને ? ડૂબી મરવાનું મન થાય છે હવે? કોણ રોકતું હતું અમને ? કોઈ નહીં. પણ અમે જ આભડછેટ રાખી સગ્ગા ભત્રીજાઓને મળવા ! કે જેની મા
આભાર – નિહારીકા રવિયા પરણીને આવી ત્યારે બન્ને દિયરને સગા દીકરાથી વિશેષ રાખ્યા અને અમે…. ? બે હાથ જોડીને માફી માગીએ છીએ ભાભી માફ કરો…’
‘ માફી આપવાની હેસીયત તો તમારી ભાભીની છે જ નહીં. બે હાથ ઉઠયા તો આશિર્વાદ આપવા કે તમને મન વચનને કર્મથી નાના વીર માન્યા હશે તો ભાભીના આશિર્વાદ ફળજો અને સુખી થજો.’
એણે ટાઈપ કર્યુ: હવે કાંઈ બાકી રહેતું નથી. આટલું જ છે મારી પાસે…
‘ના, ભાભી….. એકવાર આવી જાવ. ફોન કરીને તો તમારી સાથે વાત કરવાની હિંમત જ નહોતી ચાલતી એટલે તો આ તમારો નંબર તમારી સ્કૂલના પ્રિન્સીપાલ નીતાબેન પાસેથી તમારો વોટ્સએપ નંબર મળ્યોને એમાંય હાથે લખેલા પત્રનો ફોટો પાડીને મોકલુ છું. કહેવાનું એટલું જ કે ફટકિયા હોય એ મોતી ન કહેવાય. સાચાં મોતી તો એક માનસરોવર અને એક માનસરોવરમાં જ પાકે છે! એણે જયાં સુધી ફોલાય એટલું ફોલી લીધું અને પોતાંનુ ઘર અને બેન્ક બેલેન્સ ભરતી ગઈ. અને જેવી આવક બંધ થઈ એટલે ધકકો મારી દીધો ! ધકકો માર્યો ને પછડાટ ખાધો ત્યારે એમને સત્ય સમજાયું કે દૂધ અને પાણીમાં, કંચન અને કથીરમાં, સોના અને પીતળમાં શું ફેર હોય છે ? પણ મોડું થઈ ગયું હતું ખૂબ ?
ભાભી, જેને અગ્નિની સાક્ષીએ ધરમ પત્ની માની હતી એને તો કદિ અડધું અંગ માન્યું જ કયાં હતું? જેને પોતાનું અંગ માન્યું હતું એ તો દુકાનની અંદર સાડી ઓઢાડીને રાખેલું શો પીસ હતું ! એને તો રોજ વસ્ત્રો બદલાવવાના હોય એમ જ, પેલીએ વસ્ત્ર બદલી નાખ્યું. અને ત્યારે સાચી ખબર પડી કે, વસ્ત્ર અને ઉપવસ્ત્રમાં શું ફેર હોય છે ? !!
-‘ ભાભી….. આમ તો આ ‘ભાભી’ સંબોધન પણ કયા સંબંધે કરું ? હા, જે દિવસે પરણીને આવેલા ત્યારે અમારા ભાભી હતા પણ તમે ભાભીને બદલે ‘મા’ બનીને ઉભા રહયા હતા અને દિકરો બનીને આરદા કરું છું કે,
હવે ઝાઝો ટાઈમ નથી, કેન્સર છેલ્લા સ્ટેજે પહોંચી ગયું છે. ડોકટરે કહી દીધું છે. બહુ લાંબુ નહીં ખેંચે. પણ એમની લુખ્ખીસુખ્ખી આંખોમાં તમને જોવાની જીજીવિષા ટળવળે છે. બોલતા નથી પણ, તમારું નામ પડે ત્યાં આંખોમાંથી ટપટપ કરતા આંસુ ટપકી પડેછે. મને કહે છે કે, એકવાર બોલાવ. મારે એના પગ પકડીને માફી માગવી છે!
હવે એની માફી માગ્યા વગરનો જઈશ તો ભૂત બનીને ઝાડવે ઝાડવે ભટકયા કરીશ. પણ જો એની માફી મળી જશે તો ભવભવની ભાવટ ભાંગી જશે! તો…, ભાભીમાં, બે હાથ જોડીને વિનંતી કરું છું કે, પહેલી ને છેલ્લી વાર…. બસ એક વાર, એક વાર….
દિયર માનો કે દિકરો
એ તાકતી જ રહી ગઈ.
તમારો જ પ્રકાશ
અંદર બહાર બધુ ઉલેચાઈને બહાર આવવા લાગ્યું.
શું કરૂ? શું હતું? શું પામી ? શું મેળવ્યું ? . ખાલી … આંગળીને વેઢે ગણાય એટલી ક્ષણો જ ને ?
ના, ના, ના…. એ તાંતણો તો હવે તૂટી ગયો છે અને તૂટી ગયેલા, સિતારના તાર ફરી વખત કયાં સંધાય છે ?
‘ના,માફ કરવાની તો મારી એવી કઈ હેસિયત ? પણ હવે રહેવા દો, ના … ’ પણ આટલું લખ્યાં પછી એક પછી એક,.. એક સામટી ભેખડો તૂટી પડી:‘ પણ હવે મારો દિયર કહે છે તો… એના મોઢાનું, બાકી – ’
મગજ સન્ન અંદર સઘળું ખાલી થઈ ગયું! નકરો શૂન્યાવકાશ.
‘બેન … ઓ બેન…’ સામે જ ઉભું ઉભું કોઈ કયારનું સાદ પાડતું હતું. કળ વળી તો સૂરતા આવી. આંખો ઉંચી કરીને જોયું તો દરરોજ શેરીમાં આવતો કટલેરીની લારીવાળો હતો.: કહેતો હતો ‘ બહેન ઓ બહેન’ ‘ચાંદલાના પેકેટ આવી ગયા છે. હો… બહેન…’
અને એ, બસ, એમ જ,…. અવશપણે પૂછી બેઠી: ‘લાલ કલરના છે ?’








































