અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની અસર દિવાળીના ડ્રાયફ્રુટ ઉપર પણ જાવા મળી રહી છે. ગઈ દિવાળીની સરખામણીએ આ દિવાળીએ અલગ અલગ ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. રાજકોટ શહેરમાં દિવાળી પહેલાના એક મહિના દરમિયાન સૂકામેવા બજારમાં કરોડો રૂપિયાના ડ્રાયફ્રુટ વેચાય છે.
દિવાળી પહેલા જ સૂકામેવાના ભાવમાં ભડકો થયો છે. આ વખતે ડ્રાયફ્રૂટ કડવા લાગી રહ્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધની અસર ડ્રાયફ્રૂટના ભાવ ઉપર થઈ છે. બદામ, પિસ્તા અને કાજુના ભાવમાં ૨૫ થી ૫૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ડ્રાયફ્રૂટના વેપારીએ કહ્યું હતું કે ૨૦૦ કન્ટેનરની જરૂરિયાત સામે આવક માત્ર ૨૦ કન્ટેનરની જ થઈ રહી છે. ગયા વર્ષે જે ૧ કિલો બદામના ભાવ ૮૦૦ હતા, તે આ વર્ષે ૧,૨૦૦ થયા છે. ગયા વર્ષે કાજુ ૭૦૦ના વેચાતા હતા, એ આ વર્ષે ૧,૦૦૦ના વેચાઈ રહ્યા છે. જે પિસ્તાના ભાવ ૧,૨૦૦ હતા, તે આ વર્ષે ૧,૮૦૦ના વેચાઈ રહ્યા છે. જે પિસ્તા મોરાના ભાવ ૨,૦૦૦ હતા, એ આ વર્ષે ૩,૦૦૦ના વેચાઈ રહ્યા છે. ચારોળી ૨,૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જાકે, આ બધાની વચ્ચે અંજીર સસ્તાં થયાં છે. અંજીરના ભાવ ૧,૨૦૦થી ઘટીને ૬૦૦ થયા છે. જરદાળુના ભાવમાં અછતને કારણે પ્રતિ કિલો ૪૦૦થી સીધો વધારો થઈને ૧,૨૦૦ થયા છે.
ડ્રાયફ્રુટ વેચતા વેપારીનું કહેવું છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રમાં ડ્રાયફ્રૂટ બજારનું હબ છે. અહીંયા દિવાળીના એક મહિના પહેલા ડ્રાયફ્રૂટની માંગમાં વધારો થતો હોય છે. અત્યાર સુધી ૫૦ કરોડથી ૬૦ કરોડ રૂપિયાનો વેપાર માત્ર દિવાળી પહેલાના એક મહિના દરમિયાન થતો હતો. આ વખતે ભાવ વધ્યા છે એટલા માટે ૭૦ કરોડ રૂપિયા જેટલો વેપાર થાય એવી શક્યતા છે. ભાવ વધ્યા છે પણ તેમની અસર ગ્રાહકની ખરીદી ઉપર નથી જાવા મળી રહી. પહેલા ડ્રાયફ્રુટ એ અલગ અલગ દેશોમાંથી દરિયાઈ માર્ગે આવતા હતા, પરંતુ યુદ્ધની સ્થિતિ અને ખરાબ પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રુટ હવાઈ માર્ગે આવી રહ્યા છે એટલે કે તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ મોંઘો થયો છે.
લોકોએ પણ કહ્યું કે તહેવાર સમયે અલગ અલગ મીઠાઈઓ બનતી હોય છે, જેમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવો પડતો હોય છે. આ ઉપરાંત નવા વર્ષે મુખવાસ તરીકે પણ ડ્રાયફ્રુટનો ઉપયોગ થતો હોય છે, જેથી મોટા પ્રમાણમાં ડ્રાયફ્રુટની ખરીદી કરવી પડતી હોય છે.







































