વડોદરાના દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસ બહાર આજકાલ રોજ સવારે નવા કનેક્શન માટે લાંબી કતારો જોવા મળે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને યુદ્ધની સ્થિતિ બાદ એલપીજી સિલિન્ડરના વિકલ્પ તરીકે પાઈપલાઈન ગેસની માંગ અચાનક વધી ગઈ છે. માત્ર રહેણાંક જ નહીં, પરંતુ કોમર્શિયલ ગેસ કનેક્શનો માટે પણ પડાપડી થઈ રહી છે.
હાલ વડોદરા શહેરમાં અંદાજે ૩ લાખ લોકો પાઈપલાઈન દ્વારા ગેસ મેળવી રહ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા ૧૦ એજન્સીઓની મદદથી રોજના અંદાજે ૨૫૦ નવા કનેક્શન આપવામાં આવી રહ્યા છે, જે વધતી જતી માંગ સામે ખૂબ જ ઓછા છે. છેલ્લા એક વર્ષથી હજારો અરજીઓ પેન્ડિંગ હોવાથી નાગરિકોમાં રોષ જાવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌપ્રથમવાર વડોદરા શહેરમાં જ પાઈપલાઈનથી ગેસ કનેક્શન આપવાની શરૂઆત થઈ હતી. તેમ છતાં, વર્તમાન સમયમાં તંત્રની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે શહેરીજનો સમયસર ગેસ કનેક્શન મેળવી શકતા નથી.પીએનજી ગેસના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોની ડિમાન્ડ અટકવાનું નામ નથી લઈ રહી.વીજીએલ કંપનીના અધિકારી કહી રહ્યા છે કે લોકોને ઝડપથી નવા ગેસ કનેક્શન મળી જાય તે માટે કામગીરી કરાઈ રહી છે.
ગ્રાહકોની સ્પષ્ટ માંગ છે કે વીજીએલ કંપની દ્વારા કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે અને વેઇટિંગ પિરિયડ ઘટાડીને વહેલી તકે કનેક્શન ફાળવવામાં આવે, જેથી સામાન્ય જનતાને પડી રહેલી હાલાકીમાંથી રાહત મળી શકે. હાલમાં હજારો નવા ગેસ કનેક્શનની અરજી પેન્ડિંગ છે ત્યારે કેટલા સમય સુધી લોકોને હજી પીએનજી ગેસ માટે રાહ જાવી પડશે તે સવાલ ઉઠી રહ્યો છે.