વડોદરા જિલ્લામાં દારૂબંધીના કાયદા હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા તાલુકાના કોટંબી ગામમાં આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-૩ સ્થિત ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં દારૂની હજારો બોટલો સહિત કુલ રૂ. ૧,૨૮,૮૫,૫૫૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
પોલીસના જણાવ્યા અનુસાર, કોટંબીના શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ‘સાંઈનાથ એન્ટરપ્રાઇઝ’ નામના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો.એલસીબીની ટીમે દરોડા દરમિયાન કુલ ૧,૪૯૦ પેટી કબજે કરી હતી. આ પેટીઓની ગણતરી કરતાં વિદેશી દારૂની કુલ ૬૬,૪૩૨ બોટલો મળી આવી હતી.દારૂનો આટલો મોટો જથ્થો ગોડાઉનમાં સંગ્રહિત હોવાની માહિતી મળતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થા અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂ ઉપરાંત એક કાર અને અંદાજે રૂ. ૫૬ હજારની કિંમતના સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૨૮,૮૫,૫૫૨નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ચાર શખસો અને હરિયાણાના સુમીત સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપીઓની ભૂમિકા અને દારૂના જથ્થા સાથેના તેમના સંબંધ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પ્રધાનજી નામના શખસ પાસેથી મંગાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે પોલીસ આ જથ્થો ક્્યાં પહોંચાડવાનો હતો, તેની હેરફેરમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને આ નેટવર્કનાં તાર અન્ય રાજ્યો સાથે જાડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
આ કેસમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ આગળ વધતાં દારૂના સપ્લાય અને વિતરણ સંબંધિત વધુ વિગતો સામે આવે તેવી શક્્યતા છે.