લીલીયા મોટા શહેરમાં ગટરલાઈનના કામ બાદ રસ્તાઓની સ્થિતિ કફોડી બની રહી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન રોડ પર ચાલી રહેલા ગટરકામને કારણે રસ્તાની સપાટી ઊંચી-નીચી થઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ રસ્તાની સપાટી કરતાં મકાનો નીચા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગટરલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાને યોગ્ય રીતે સમતળ કરવામાં ન આવતાં અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. દિવાળીના તહેવાર દરમિયાન બજારો અને રસ્તાઓ પર લોકોની અવરજવર વધવાની હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને વાહનચાલકોને ઊંચા-નીચા રસ્તાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. લીલીયા મોટા શહેરમાં જ્યાં જ્યાં ગટરકામ પૂર્ણ થઈ ગયું છે, ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા લોડર સહિતનાં સાધનોની મદદથી રસ્તાઓને યોગ્ય રીતે સમતળ કરવામાં આવે તેવી નાગરિકોમાંથી માંગ ઉઠી છે.
તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટર આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક રસ્તા સમારકામ અને લેવલિંગની કામગીરી હાથ ધરે તે જરૂરી છે. દિવાળીના પર્વ પહેલાં રસ્તાઓને અવરજવર માટે અનુકૂળ બનાવવામાં આવે તો નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે.