અમદાવાદના શાહઆલમ ટોલનાકા નજીક ચા પીવા ઊભેલા ત્રણ મિત્રોનું કારમાં આવેલા શખસોએ અપહરણ કરીને લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, ત્રણેય યુવકોને નારોલ બ્રિજ પાસે લઈ જઈ માર મારવામાં આવ્યો હતો અને છરી બતાવી રૂ. ૫,૫૦૦ લૂંટી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ રૂ. ૫૦ હજારની માગણી કરવામાં આવી હતી. જાકે, આરોપીઓની નજર ચૂકવીને ત્રણેય મિત્રો ભાગી છૂટ્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, દાણીલીમડામાં રહેતો યશ પરમાર હાથીજણના ફટાકડાના સ્ટોલમાં નોકરી કરે છે. ૨૫ આૅક્ટોબરની રાત્રે કામ પૂરું થયા પછી તે મિત્રો નૈતિક અને તુષાર ઠાકોર સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો.
રસ્તામાં શાહઆલમ ટોલનાકા પાસે આવેલી ચાની કીટલી પર ત્રણેય મિત્રો ચા પીવા માટે રોકાયા હતા. તે સમયે કારમાં આવેલા તરુણ, વિવેક અને ચીંટુ નામના ત્રણ શખસોએ કથિત રીતે બળજબરીપૂર્વક તેમને કારમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ કાર ગોમતીપુરના રસ્તે નારોલ બ્રિજ તરફ લઈ જવામાં આવી હતી.ફરિયાદ મુજબ, નારોલ બ્રિજ પાસે પહોંચ્યા બાદ કારમાં સવાર શખસોએ ત્રણેય યુવકો પાસે પૈસા માગ્યા હતા. યુવકોએ પૈસા ન હોવાની વાત કરતાં આરોપીઓએ તેમની સાથે મારામારી કરી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. આ દરમિયાન લાકડાના દંડા વડે પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આરોપી તરુણે છરી બતાવી યશને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ તેના ખિસ્સામાંથી ૫,૫૦૦ રોકડા લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ૫,૫૦૦ લીધા બાદ આરોપીઓએ ત્રણેય મિત્રો પાસે વધારાના ૫૦ હજારની માગણી કરી હતી. યુવકોને ઘરેથી પૈસા મંગાવવા માટે દબાણ કરાયું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આરોપીઓ તેમને લઈને યશની ચાલીના નાકા પાસે પહોંચ્યા હતા.આ સ્થળે કાર ઊભી રહેતાં જ યશ અને નૈતિક તકનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયા હતા. તેમની સાથે રહેલો તુષાર પણ આરોપીઓની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. ત્રણેય યુવકો નાસી છૂટ્યા બાદ કાર સવાર આરોપીઓ પણ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.આ બનાવ અંગે યશ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.