અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુકામે કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં અંદાજે રૂ. ૫.૪૩ કરોડના વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વિકાસકાર્યો થકી ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓમાં વધારો થશે અને સ્થાનિક લોકોને પરિવહનની વધુ સારી સુવિધા ઉપલબ્ધ બનશે.કેરીયાનાગસ ગામના વિકાસ માટે વિવિધ માળખાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ, રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે બે નવા પુલનું નિર્માણ, રૂ. ૩ કરોડના ખર્ચે કેરીયાનાગસ-વરસડા માર્ગનું નવીનીકરણ અને રૂ. ૩ લાખના ખર્ચે નવા કોઝ-વેના નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આ તમામ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં અનેક વિકાસકાર્યો પૂર્ણ થયાં છે, જ્યારે અનેક કામો પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં વિકાસકાર્યો માટે રજૂઆત કરવામાં આવે ત્યારે તેને ધ્યાને લઈને ઝડપથી મંજૂરી આપવામાં આવે છે. અમરેલીની ઐતિહાસિક ધરોહર ગાયકવાડી રાજમહેલના નવીનીકરણ અને ઐતિહાસિક ઘડિયાળ ટાવરના પુનઃસ્થાપન સહિતનાં કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી શહેરમાં વીજળીના વાયરો ભૂગર્ભમાં ઉતારવા માટે મોટા બજેટ સાથે મહત્વપૂર્ણ પ્રકલ્પ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. ઠેબી નદી પર નદીકિનારા વિકાસ પ્રકલ્પ અને ખેતીવાડી વીજલાઇનોને એમ.વી.સી.સી. કેબલમાં રૂપાંતરિત કરવા સહિતનાં વિકાસકાર્યો સાકાર કરવાની નેમ છે.ભૌતિક વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રાધાન્ય આપતાં ગામમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી અંદાજે રૂ. ૮૦ લાખના ખર્ચે આશરે ૨,૫૦૦ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.આ કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા પંચાયતનાં દંડક સોનલબેન જયેશભાઈ ગાંગડિયા અને કેરીયાનાગસ ગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





































