ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામે શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે અંદાજે રૂ. ૨.૨૭ કરોડના ખર્ચે સુવિધાપથ અને રોડ રિસર્ફેસિંગનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત રૂ. ૫૪.૪૨ લાખના ખર્ચે ૫૫૦ મીટર લાંબા સુવિધાપથનું નિર્માણ અને રૂ. ૧.૯૮ કરોડના ખર્ચે ૩.૨૦ કિમી લાંબા માર્ગનું રિસર્ફેસિંગ કરાશે, જેનાથી ગ્રામજનો માટે વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં સારા રસ્તા બનવાથી ગ્રામીણ જીવન સરળ થશે અને સર્વાંગી વિકાસને વેગ મળશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીએ શહીદવીર પ્રતાપસિંહ ઝણકાટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી, જ્યાં પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





































