દિવાળી સહિતના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતની ઘટનાઓ અટકાવવા અમરેલી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ માન્યતા પ્રાપ્ત ગ્રીન અને ઓછું ઉત્સર્જન કરતા ફટાકડાનું જ વેચાણ અને ઉપયોગ કરી શકાશે. ફટાકડાનું વેચાણ માત્ર લાઇસન્સધારક વેપારીઓ કરી શકશે. વિદેશી ફટાકડા, બેરીયમનો ઉપયોગ કરીને બનાવેલા ફટાકડા, વધુ ઘોંઘાટ કરતા લારીવાળા ફટાકડા અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. દિવાળીમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી અને નૂતન વર્ષ દરમિયાન રાત્રે ૧૧ઃ૫૫થી રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહીં. બજારો, પેટ્રોલ પંપ, ગેસ સંગ્રહ સ્થળો અને અન્ય જોખમી વિસ્તારોમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, વિસ્ફોટક અધિનિયમ અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.







































