બગસરા શહેરમાં જૂની નગરપાલિકા નજીક આવેલા ખાડિયા વિસ્તારમાં મની ટ્રાન્સફરની આડમાં કરોડો રૂપિયાનું જીએસટી રિફંડ કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપોને પગલે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ પ્રકરણમાં અત્યાર સુધી થયેલી તપાસ, કાયદેસરની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓ સામે લેવાયેલા પગલાં અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઊઠી રહી છે.મળતી વિગતો મુજબ, આ કથિત કૌભાંડમાં કેટલાક ગરીબ, અભણ અને નિરાધાર નાગરિકોનાં આધારકાર્ડ સહિતના અંગત દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાલચ આપીને અથવા અન્ય રીતે દસ્તાવેજો મેળવી તેમના નામે બોગસ બેન્ક ખાતાં અને ખોટી પેઢીઓ ઊભી કરવામાં આવી હોવાના આક્ષેપો છે.આ પેઢીઓના નામે વાસ્તવિક વેપાર કે માલસામાનની ખરીદી-વેચાણ વિના માત્ર કાગળ પર કરોડો રૂપિયાના વ્યવહારો દર્શાવી સરકારી જીએસટી રિફંડ મેળવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની સાથે નિર્દોષ નાગરિકોને પણ કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે. પોતાના નામે આવા વ્યવહારો થયા હોવાની જાણ ન હોય તેવા નાગરિકોના હિતોનું રક્ષણ કરવું પણ તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે.સ્થાનિક જાગૃત નાગરિકો અને અગ્રણીઓ દ્વારા રાજ્યસ્તરની ઉચ્ચ તપાસ એજન્સી અથવા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો મારફતે તપાસ કરાવવાની માગ કરવામાં આવી રહી છે. કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધારો, મની ટ્રાન્સફર એજન્સીઓ, શંકાસ્પદ બેન્ક ખાતાં અને સંબંધિત પેઢીઓની તપાસ કરવામાં આવે તથા દોષિત સાબિત થનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ છે.
પોલીસની કામગીરી સામે પણ સવાલો:
આર્થિક કૌભાંડના આક્ષેપો વચ્ચે સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. સમગ્ર મામલે કડક તપાસ કરવાને બદલે સમાધાનના પ્રયાસો થયા હોવાની અને નાણાકીય લેવડદેવડ દ્વારા કેસને દબાવાયો હોવાની લોકચર્ચા છે. લાખો રૂપિયાના તોડ બદલ પોલીસ અધિકારીની બદલી થઈ હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે.પોલીસ અધિકારી તો બદલાઈ ગયા પરંતુ તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ હજુ ચીપકી રહ્યો હોય ત્યારે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
એક કોન્સ્ટેબલની ભૂમિકાની તપાસ કરવા માંગ:
આ પ્રકરણમાં એક પોલીસ કોન્સ્ટેબલે મામલો દબાવવાના પ્રયાસો કર્યા હોવાની અને ઉચ્ચ અધિકારી સાથે મળીને મોટી રકમનો વ્યવહાર કરી કેસને રફેદફે કરાવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. આથી સંબંધિત પોલીસ કર્મચારીની ભૂમિકા અને સમગ્ર કાર્યવાહી અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઊઠી છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ પોલીસમાં દુષણ ફેલાવવાનું કામ આ કોન્સ્ટેમ્બલ કરી રહ્યો છે. કોઈ નવા પોલીસ અધિકારી આવે તો તેના પણ કાન ભંભેરવાનુ કામ આ કોન્સ્ટેમ્બલ કરતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
જિલ્લા પોલીસ વડા પોલીસની છબી બગાડનાર
કોન્સ્ટેબલની બદલી કરે તે જરૂરી:
બગસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ઘણા સમયથી તોડબાજ તરીકે પંકાયેલા પોલીસ કોન્સ્ટેબલ પોલીસની છબી ખરાબ કરી રહ્યો છે. બુટલેગરો કે વેપારીઓ પાસેથી પોલીસ અધિકારીના નામ નીચે લાખો રૂપિયાના તોડ કરી રહ્યો છે. બુટલેગરો પાસેથી મોંઘીદાટ ગીફ્ટ લેવી સહિતની કામગીરી આ કોન્સ્ટેમ્બલ દ્વારા કરવામાં આવે છે. જેથી પોલીસની છાપ બગાડનાર આ પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામી છે.



































