ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ૮૫ વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયાની હત્યાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં ભાણીબેન ડાયાભાઈ જેશાભાઈ પામકની સંડોવણી સામે આવી છે. ઘરેણાં લૂંટવાના ઇરાદે મહિલાએ
વૃધ્ધાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ગત ૨૫ ઓક્ટોબરે બપોરે આરોપી ચા પીવાના બહાને વૃધ્ધાના ઘરે પહોંચી હતી. વૃધ્ધા ચા બનાવતાં હતાં ત્યારે દાતરડીથી ગળા પર હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ વૃધ્ધાનાં કાન કાપીને સોનાનાં ઘરેણાં લૂંટી આરોપી ફરાર થઈ ગઈ હતી.આરોપી હત્યા બાદ મૃતકના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી અને પરિવારજનો સાથે રોકકળ પણ કરી હતી. જોકે, તેની શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.







































