ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં પરિવાર સાથે રમી રહેલા નવ વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પરિવારજનોએ સમયસૂચકતા વાપરી દીપડાનો પીછો કરતાં તે બાળકને ઘાયલ હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ, નાંદણ ગામની સીમમાં આવેલી સાદુળભાઈ બાબુભાઈ મેવાડાની વાડીએ સાંજના સમયે તેમનો નવ વર્ષનો પુત્ર ક્રિશ પરિવાર સાથે રમી રહ્યો હતો. દરમિયાન ક્રિશ રમતાં-રમતાં થોડે દૂર જતાં અચાનક ધસી આવેલા દીપડાએ તેને પકડી લીધો હતો અને ઉઠાવી ગયો હતો. પરિવારજનોએ પીછો કરતાં બાળકનો બચાવ થયો હતો.




































