જૂનાગઢ ડિવિઝન હેઠળના ધોરાજી એસ.ટી. બસ સ્ટેશન ખાતે રૂ. ૮.૮૩ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર આધુનિક એસ.ટી. વર્કશોપનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે સંપન્ન થયું છે. ૧ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ શરૂ થયેલા આશરે ૫૪ વર્ષ જૂના વર્કશોપના સ્થાને બનનાર આ સુવિધાથી બસોની જાળવણી, ટેકનિકલ કામગીરી અને મુસાફરોની સેવાઓમાં મોટો સુધારો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક બસો માટે ર્ચાજિંગ સ્ટેશન તથા ડ્રાઇવર અને કંડક્ટરો માટે આરામગૃહની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ધારાસભ્યએ મુસાફરોને સલામત અને સમયબધ્ધ સુવિધા આપવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સી.સી. અંટાળા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી સહિત પક્ષના અગ્રણીઓ તેમજ એસ.ટી. વિભાગના ડેપો મેનેજર, વિભાગીય નિયામક, વિવિધ ઇજનેરો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





































