અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મહામંત્રી રસિકભાઈ મહેતા અને પ્રવિણભાઈ કસવાળાની આ રજૂઆતો પર વહીવટી તંત્રએ હકારાત્મક અભિગમ દાખવી ઝડપી નિરાકરણ લાવ્યું છે.આ નિર્ણય અંતર્ગત વેકેશન દરમિયાન કામ કરનાર શિક્ષકોની પ્રાપ્ત રજાઓ જિલ્લા કક્ષાએથી જ જમા કરાવવા તમામ તાલુકાઓમાં સૂચના આપી દેવાઈ છે. આ ઉપરાંત HTAT આચાર્યોની કામગીરીનું યોગ્ય આયોજન, NPS અને OPS યોજના હેઠળ બાકી ખાતા નંબરો ફાળવવાની પ્રક્રિયા તેમજ વાહન ભથ્થાની દરખાસ્તોને તાલુકા કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. નિવૃત્ત શિક્ષકોના જૂથ વીમા અને જિલ્લા ફેર બદલીના કિસ્સાઓમાં પણ ઝડપી કાર્યવાહી કરાઈ છે. તમામ સંવેદનશીલ પ્રશ્નોનું ટૂંકા સમયમાં સુખદ નિરાકરણ લાવવા બદલ શિક્ષક સંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો આભાર માન્યો છે.






































