બાબરાના ખંભાળા ગામે સરકારી, ગૌચર તથા ગ્રામ પંચાયત હસ્તકની જમીનો પર થયેલા કથિત ગેરકાયદે દબાણોના મુદ્દે ફરી એકવાર ચર્ચા જાગી છે. ગામના જાગૃત નાગરિક માવજીભાઈ સાગઠીયાએ આ મામલે કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. તેમની રજૂઆત મુજબ, ખંભાળા ગામમાં સરકારી અને ગૌચર જમીન પર કેટલાક ઇસમો દ્વારા વ્યાવસાયિક હેતુસર બાંધકામો કરવામાં આવ્યા હોવાનું તેમજ ખેતીની જમીનો પર પણ ગેરકાયદે કબ્જાઓ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રજૂઆતકર્તાનું કહેવું છે કે સંબંધિત વિભાગોના અધિકારીઓને આ અંગે જાણ હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંબંધિત વિભાગો દ્વારા તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.






































