રાજુલા શહેરમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી શરૂ થયેલું નિઃશુલ્ક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ટૂંકા સમયમાં જ સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. માત્ર એક મહિનાના ગાળામાં અંદાજે ૧૪ હજારથી વધુ દર્દીઓએ અહીં સારવારનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે અમરેલી ગીર રોટરી ક્લબ દ્વારા રૂ. ૬૭.૭૮ લાખના અત્યાધુનિક તબીબી સાધનો ભેટરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં હોસ્પિટલના તમામ ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના આગેવાનોએ ડોક્ટરોની સેવાભાવના અને સમર્પણની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ હોસ્પિટલની વિવિધ સેવાઓ અને આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.