અમરેલી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદ કરવા જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા બાળમજૂરી વિરોધી ઝુંબેશ અંતર્ગત વિશેષ રેડ યોજવામાં આવી હતી. મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરીના સંકલનમાં અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં શ્રમ વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, જિલ્લા શિક્ષણ વિભાગ, નગરપાલિકા તથા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ જોડાયા હતા. તપાસ દરમિયાન લાઠી રોડ સ્થિત હોટલ રસથાળ ખાતે ૬ તરુણ શ્રમયોગીઓ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. બાળ અને તરુણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની જોગવાઈઓના ભંગ બદલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. સંબંધિત સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ટાસ્કફોર્સ સમિતિએ બાળમજૂરી જેવી સામાજિક કુપ્રથા સામે સતત દેખરેખ અને સઘન તપાસ ચાલુ રાખવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.





































