અમરેલીથી વિસાવદર વચ્ચે આઝાદી કાળની મીટર ગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા ધારી પત્રકાર સંઘ દ્વારા ‘મિશન બ્રોડગેજ’ નામની બિનરાજકીય મુહીમ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનને સ્થાનિક સંસ્થાઓ, વેપારી મંડળો અને રાજકીય આગેવાનોનું વ્યાપક સમર્થન મળ્યું છે. તાજેતરમાં, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર સહિતના પ્રતિનિધિ મંડળે જૂનાગઢ ખાતે રેલ્વેના જનરલ મેનેજર (જી.એમ.)ને રૂબરૂ મળી લેખિત-મૌખિક રજૂઆત કરી હતી.
આગેવાનોએ જણાવ્યું કે, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સર્વાંગી વિકાસ અને મુસાફરોની કનેક્ટિવિટી માટે આ પ્રોજેક્ટ અનિવાર્ય છે. રેલ્વે જી.એમ. દ્વારા આ અંગે યોગ્ય ન્યાય આપવાની ખાતરી અપાઈ છે. ધારી પત્રકાર સંઘના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ, હવે પછી સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે અને પ્રજાહિતની આ માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આ મિશન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે.









































