રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાયેલી પ્રથમ ‘પ્રગતિપથ યાત્રા’નું ભવ્ય સમાપન થયું છે. જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતના પ્રકલ્પોની પ્રગતિનું ઊંડાણપૂર્વક અવલોકન કરવામાં આવ્યું હતું.આ પ્રગતિપથ યાત્રામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારાસભ્યો જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.યાત્રા દરમિયાન મહાનુભાવોએ અમરેલીની વિરાટ શેડ ધરાવતી એ.પી.એમ.સી. તેમજ સાવરકુંડલા ખાતે આશરે ૨૫ હેક્ટરમાં વિકસાવવામાં આવેલા અમૃત સરોવરની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ સાવરકુંડલાને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાવરકુંડલાનું અમૃત સરોવર પ્રથમ તબક્કામાં રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જ્યારે બીજા તબક્કામાં રૂ. ૯ કરોડના ખર્ચે વધુ વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે. આ પ્રકલ્પ જળસંચય, પર્યાવરણ અને સ્થાનિક પ્રવાસન માટે મહત્વનો સાબિત થશે.આ પૂર્વે અમરેલી ખાતે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ, માર્ગ અને મકાન, વીજળીકરણ, નંદઘર તેમજ સિંચાઈ ક્ષેત્રે થયેલી પ્રગતિને તસવીરોના માધ્યમથી રજૂ કરાઈ હતી. આ પ્રગતિપથ યાત્રાએ સરકારના વિકાસ કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.