અમરેલી શહેરના વોર્ડ નં-૨ માં ચિતલ રોડ પર આવેલું ૪૦ વર્ષ જૂનું ‘પરિમલ એપાર્ટમેન્ટ’ અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને તાત્કાલિક સીલ કરવાની માંગ સાથે સ્થાનિકો અને જનતા જનાર્દન દ્વારા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખખડધજ બિલ્ડીંગના પથ્થરો વારંવાર રસ્તા પર પડતા હોવાથી અહીંથી પસાર થતા સ્કૂલી બાળકો અને રાહદારીઓ પર સતત મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને વોર્ડ નં-૨ ના કોર્પોરેટરો, નગરપાલિકા ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, હિન્દુ સેના અને ‘અશ્વમેઘ’ ટ્રસ્ટના રવિરાજભાઈ શેખવા સહિતના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આવેદનપત્રમાં જી.પી.એમ.સી. એક્ટની કલમો હેઠળ બિલ્ડીંગને ‘ડેન્જરસ બિલ્ડીંગ’ જાહેર કરી, રહીશોને ૨૪ કલાકમાં નોટિસ આપી ખાલી કરાવવા અને તેને તોડી પાડવા માંગ કરાઈ છે. ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ અંગેની ઓનલાઈન ફરિયાદ CMO પોર્ટલ પર પણ નોંધાવવામાં આવી છે.