અમરેલી શહેરમાં અંદાજે ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ-રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું સંકુલ કાર્યરત બન્યા બાદ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે અને એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. હાલમાં વિવિધ વહીવટી સેવાઓ માટે લોકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હોવાથી સમય અને શ્રમનો વ્યય થતો હતો. નવા સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી જમીન દસ્તાવેજોની નોંધણી, આવક અને જાતિના દાખલા, મહેસૂલી અરજીઓ, જમીન રેકોર્ડ સહિતની વિવિધ સેવાઓ સરળતાથી એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે રાજ્યમંત્રી
કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વધુ સુલભ, ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વિવિધ વહીવટી સેવાઓનું એક જ સ્થળે કેન્દ્રીકરણ થવાથી લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને “સરકાર તમારા દ્વારે”ની ભાવનાને વધુ મજબૂતી મળશે.