અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં રાજ્યના ઉર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસ કાર્યોને મંજૂરી આપી તેમના પ્રારંભ કરાવવામાં આવ્યા હતા, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અનેક સુવિધાઓનો લાભ મળશે. અમરેલી શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે નગરપાલિકા દ્વારા અંદાજે રૂ. ૩૮૫.૪૮ લાખના ખર્ચે આધુનિક રમતગમત અને મનોરંજનની સુવિધાઓના નિર્માણ માટે ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ તેમજ વોલીબોલ કોર્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ સુવિધાઓથી યુવાનો અને રમતવીરોને તાલીમ તથા રમતગમત માટે ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનશે.કાર્યક્રમ દરમિયાન અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી કુલ ૨૧ આંગણવાડીઓ માટે કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યનું પણ ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી બાળકોની સુરક્ષા અને આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓમાં વધારો થશે.શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. શહેરની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, રોકડિયાપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનો શુભારંભ પણ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અમરેલી વિધાનસભા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ‘વિધારત્ન એવોર્ડ’ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવશે.










































