જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચબંદર સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ચોમાસાનું વેકેશન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં કરંટ વધુ રહેતો હોવાથી અને માછલીઓના પ્રજનનનો સમય હોવાથી સુરક્ષાના ભાગરૂપે માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ કારણે હાલના તબક્કે આશરે ૭૦૦ જેટલી નાની-મોટી બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. આ લાંબા સમયગાળા દરમિયાન દરિયાખેડુઓ નવરા બેસી રહેવાના બદલે પોતાની બોટોના સમારકામ અને નવીનીકરણની વિવિધ કામગીરીઓમાં પૂરજોશમાં વ્યસ્ત થઈ ગયા છે.માછીમારીના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા સ્થાનિક ખારવા અને કોળી સમાજના માછીમારો આ વાર્ષિક વેકેશનનો રચનાત્મક ઉપયોગ કરે છે. બંદર પર અત્યારે જૂની બોટોનું સમારકામ, જરૂરિયાત મુજબ નવી બોટોનું નિર્માણ, માછલીઓ સાચવવા માટેના કોલ્ડ સ્ટોરેજની મરામત તેમજ ફાટી ગયેલી માછીમારીની જાળીઓને ગૂંથવા જેવી નાની-મોટી અનેક કામગીરીઓ ચાલી રહી છે. જાફરાબાદના સ્થાનિક ખલાસી ધવલ સોલંકીના જણાવ્યા અનુસાર, બોટોના ટેકનિકલ સમારકામ ઉપરાંત ચોમાસાનો આ આખો સમયગાળો માછીમાર પરિવારો માટે સામાજિક વ્યવહારો, લગ્ન પ્રસંગો અને અન્ય પારિવારિક કાર્યો પૂર્ણ કરવા માટે પણ ખૂબ અનુકૂળ રહે છે. હાલમાં જ બંદર પર અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલી બોટોમાં કલરકામ અને સમારકામ ચાલી રહ્યુ છે. જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ બંદર પર પરંપરાગત લાકડાની તેમજ આધુનિક ફાઈબરની બોટોને નવીન નવસાધ્ય કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. સરકારના નિયમ મુજબ આગામી ૧૫ ઓગસ્ટથી દરિયામાં માછીમારી કરવા માટેની વિધિવત પરવાનગી મળ્યા બાદ, તમામ બોટોને ક્રેન દ્વારા સુરક્ષિત રીતે દરિયાના પાણીમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ ફરી એકવાર આખોય દરિયાકાંઠો રોજગારીથી ધમધમતો થઈ જશે.










































