રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોના પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી પતિ-પત્નીની એક જોડીની રાજુલા પોલીસે સફળતાપૂર્વક ધરપકડ કરી છે. ‘ઇગલ આઈ પ્રોજેક્ટ’ હેઠળ સ્થાપિત ઝ્રઝ્ર્ફ કેમેરાની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ, ૭ જૂન ૨૦૨૬ના રોજ સવારે કોડીનાર-વડોદરા રૂટની બસમાં ચડતી એક મહિલાની થેલીમાંથી અજાણ્યા શખ્સોએ સોનાનો ચેઇન, દિલ આકારનું સોનાનું પેન્ડલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.૧.૦૫ લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બસ સ્ટેશન અને આસપાસના ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ નજરે પડતાં તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભીડનો લાભ લઈ મહિલાઓને નિશાન બનાવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિત કુલ રૂ.૧.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.









































