ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ સમય બાકી છે, ત્યારે રાજકીય નિવેદનોથી રાજકીય હલચલ તેજ બની રહી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવાના પ્રસંગે આપેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. દ્વારકા કોળી સમાજની વાડી ખાતે ૧૨ નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની ઉપસ્થિતિમાં પબુભા માણેકે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ. ગુજરાતમાં કોળી સમાજ બીજા ક્રમનો મોટો સમાજ છે, તેથી સમાજના યુવાનોએ
જાગૃત થવાની જરૂર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પર માતા-પિતા, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર પ્રકારનાં ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે. સમાજનું ઋણ ઉતારવા સક્ષમ વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ નાણાં, સમય, શ્રમ કે સેવા થકી સમાજના ઉત્થાનમાં યોગદાન આપવું જોઈએ. પબુભાના આ નિવેદનથી આગામી સમયના રાજકીય સમીકરણો અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.