ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંઘાણીએ પોતાના તાજેતરના અમેરિકા પ્રવાસ દરમિયાન આયોજિત બેઠકો અને કૃષિ તેમજ સહકારિતા ક્ષેત્રની મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી હતી. તેમણે અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, ટેક્નોલોજી હસ્તાંતરણ અને ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા.બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, ખાદ્ય સુરક્ષા, ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને જ્ઞાનના આદાન-પ્રદાનને મજબૂત કરવા પર ભાર મૂકાયો હતો. સંઘાણીએ મંત્રીના દૂરદર્શી નેતૃત્વની પ્રશંસા કરી વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય કૃષિ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે. આ મુલાકાત વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય સહકાર મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.