સરકાર સાથે પીપીપી ધોરણે અને ગજેરા ટ્રસ્ટ સંચાલિત અમરેલીની શાંતાબા જનરલ
હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૪.૮૬ લાખથી વધુ લોકોએ વિનામૂલ્યે સારવાર મેળવી છે. માત્ર વર્ષ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં જ ૧.૯૮ લાખ દર્દીઓએ ઓપીડી, ૨.૬૦ લાખ લેબોરેટરી તપાસ અને ૯,૨૦૦ ઓપરેશનોનો લાભ લીધો છે.ગજેરા ટ્રસ્ટના ચેરમેન વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલનું આધુનિકીકરણ કરીને ૭૦૦ બેડની ક્ષમતાવાળું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. ટ્રસ્ટ દ્વારા દર્દીઓને નિષ્ણાત ડોક્ટરોનું કન્સલ્ટેશન, દવાઓ, લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે તેમજ દર્દી અને સગાઓ માટે ભોજન પણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી સુવિધાઓ નજીવા દરે ઉપલબ્ધ છે.અમરેલી જિલ્લાના દર્દીઓને કેન્સરની ગંભીર બીમારી માટે અગાઉ રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું. આ મુશ્કેલી નિવારવા હોસ્ટિલમાં હવે નવો ‘કેન્સર વિભાગ’ કાર્યરત કરાયો છે,જ્યાં કીમોથેરાપી અને ઓપરેશનની સુવિધા સ્થાનિક સ્તરે જ મળશે. હોસ્પિટલ મેનેજમેન્ટના ભરતભાઈ ધડુકના જણાવ્યા મુજબ, આગામી સમયમાં કેન્સરમાં રેડિયેશન થેરાપી અને હૃદયરોગની સારવાર માટે કેથલેબ પણ શરૂ કરવાનું આયોજન છે.










































