સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે સાવરકુંડલામાં અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અને સમૂહ ભોજન જેવા કાર્યક્રમોની સાથે સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને થેલેસેમિયાના નિદાન માટે એક વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે સાગર મશરૂએ જણાવ્યું હતું કે, થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે નાની સાવચેતી અને સમયસરનું નિદાન ખૂબ જ મોટું રક્ષણ પૂરું પાડે છે. આ કેમ્પમાં ૧૦થી ૩૫ વર્ષની વયજૂથના લોહાણા સમાજના બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને ઓન-સ્પોટ રજીસ્ટ્રેશન કરાવીને આ સેવાકીય યજ્ઞમાં જોડાયા છે. આ ભગીરથ કાર્ય લોહાણા મહાપરિષદ ઝોન ૪, લોહાણા મહાપરિષદ સાવરકુંડલા તાલુકા અને લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રેડ ક્રોસ બ્લડ બેંક, ભાવનગરનો પણ સહયોગ સાંપડ્‌યો છે.