બગસરા નગરપાલિકા સંચાલિત અને વિસ્તારની શૈક્ષણિક ધરોહર સમાન મેઘાણી હાઇસ્કૂલમાં કથળતા શિક્ષણના સ્તરને કારણે વિજ્ઞાન પ્રવાહ બંધ થવાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બાબતને ધ્યાને લઈને વિસ્તારના હિતમાં કાર્યરત ‘બગસરા સર્વાંગી વિકાસ ટ્રસ્ટ’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત પત્ર પાઠવીને ત્વરિત પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.ટ્રસ્ટે જણાવ્યું છે કે આ શાળા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું એકમાત્ર કેન્દ્ર છે. પરંતુ પૂરતા સ્ટાફની અછત, આયોજનનો અભાવ અને વહીવટી ઉદાસીનતાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના લીધે વિજ્ઞાન પ્રવાહ બંધ થવાના આરે છે. જો આ સરકારી સંચાલિત પ્રવાહ બંધ થશે, તો ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ મોંઘી પ્રાઇવેટ શાળાઓની ફી નહીં ભરી શકે અને તેમનું ભવિષ્ય રોળાઈ જશે.ટ્રસ્ટ દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે ખાસ મોનિટરિંગ રાખવાની માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.








































