અમદાવાદ શહેરમાં નજીવી તકરાર અને અંગત અદાવતમાં હિંસક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. પૂર્વ વિસ્તાર ગણાતા રખિયાલમાં યુવતીની બાબતે થયેલા વિવાદમાં એક મિત્રે જ બીજા મિત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે જાહેરમાં પાનના ગલ્લા પર બનેલી આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ભૌગોલિક નકશા તપાસો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બળિયા કાકા ચાર રસ્તા પાસે આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતો ૨૨ વર્ષીય મોહમ્મદ સુફેલ ઉર્ફે ગોલુ મોઇનુદ્દીન પઠાણ પીઓપી મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે આશરે ૭ઃ૦૦ વાગ્યાની આસપાસ તે તેના મિત્ર સમીર સિકંદર સૈયદ સાથે રખિયાલ ચકુડિયા મહાદેવ મંદિર સામે આવેલા પાનના ગલ્લા પર ઊભો હતો.
તે દરમિયાન, ચકુડિયા મહાદેવના છાપરામાં રહેતા તેના પરિચિત સમીરે સુફેલને ફોન કરીને તેનું લોકેશન પૂછ્યું હતું. સુફેલે પોતે પાનના ગલ્લે હોવાનું જણાવતાં જ સમીર માત્ર ૨ થી ૩ મિનિટમાં એક્સેસ ટુ-વ્હીલર લઈને ત્યાં પહોંચી ગયો હતો.
ત્યાં પહોંચતાંની સાથે જ આરોપી સમીરે એક યુવતીની બાબતને લઈને ઉગ્ર બની જઈ સુફેલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી તેમજ તેને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. સુફેલે ગાળો બોલવાની અને મારપીટ કરવાની ના પાડતાં આરોપી સમીર વધુ ઉશ્કેરાયો હતો. આવેશમાં આવીને તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી સુફેલના માથાના ભાગે ઉપરાઉપરી ૨ ઘા મારી દીધા હતા.
હુમલો કર્યા બાદ આરોપી સમીરે ઈજાગ્રસ્ત સુફેલ તેમજ ત્યાં સ્થળ પર હાજર તેના મિત્ર સમીર સિકંદર સૈયદ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
હુમલામાં લોહીલુહાણ થયેલો સુફેલ બાઈક ચલાવીને પોતાની ચાલીના નાકે પહોંચ્યો હતો. ત્યાં તેના મોટા ભાઈ આમીરખાને તેની ગંભીર હાલત જાઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ મામલે રખિયાલ પોલીસે આરોપી સમીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.