ગીરસોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં સવારે ૬ વાગ્યા સુધી ઉનામાં ૧૩૮ મીમી, તાલાલામાં ૯૮, કોડીનારમાં ૬૯, સુત્રાપાડામાં ૩૬, વેરાવળમાં ૩૧ અને ગીરગઢડામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. ઉના-ગીરગઢડા તથા તાલાલા-ગીર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. હિરણ-૨ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી આંબાકુઈ નદીમાં પૂર આવતા તાલાલા-ખીરધાર માર્ગ બંધ થયો હતો. નદીનું પાણી હિરણ નદી મારફતે હિરણ-૨ ડેમમાં પહોંચતાં પાણીની આવક શરૂ થઈ છે. હિરણ-૧ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાસણ સહિત ગીર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસના ઉભા પાકને ફાયદો થવાની આશા છે.