કોડીનાર સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ જુલેલાલના ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે મંદિર ખાતે સવારથી સત્સંગ, આરતી, આખો અને છેજ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ સતત ૪૦ દિવસ ઉપવાસ અથવા એકટાણાં કરી ઘરે મટકી રાખી ઇષ્ટદેવની સ્તુતિ કરી હતી. પૂર્ણાહુતિના દિવસે તમામ ભક્તો મટકીઓ મંદિર ખાતે લાવી સામૂહિક પ્રાર્થના કરી હતી. સાંજે મટકીઓ વાજતે-ગાજતે મૂળદ્વારકા લઈ જઈ દરિયામાં પધરાવવામાં આવી હતી. રાત્રે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા જુલેલાલ મંદિર સમિતિના યુવાઓ અને મહિલા મંડળે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી.