ફરી જન્માષ્ટમી આવી ગઈ.
ભારતમાં ભગવાન કૃષ્ણના જન્મ દિવસે મનાવાતી જન્માષ્ટમી દિવાળી જેવો જ મોટો તહેવાર મનાય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ‌‌ના આઠમા દિવસે ઉજવાતી જન્માષ્ટમી ભગવાન કૃષ્ણજન્મોત્સવનો ઉત્સવ છે. હિંદુઓ માને છે કે, કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. યદુવંશી રાજા વસુદેવે મથુરાના રાજા કંસની બહેન દેવકી સાથે લગ્ન થયેલાં. દેવકીનાં લગ્ન વખતે જ ‘દેવકીનું આઠમું સંતાન તારો વધ કરશે’ એવી આકાશવાણીથી કરીને કંસે દેવકી-વસુદેવને જેલમાં નાંખી દીધો હતા.
દેવકી આઠમી વાર સગર્ભા થઈ ત્યારે કંસે જન્મનારા બાળકની હત્યાની બધી વ્યવસ્થા કરી રાખી હતી. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો ત્યારે જેલના બધા ચોકીદાર ગાઢ નિંદ્રામાં જતા રહ્યા હતા. કૃષ્ણને પિતા વસુદેવ છાબડીમાં માથે મૂકીને યુમના નદી પાર કરીને ગોકુળમાં પોતાના મિત્ર નંદ અને યશોદાને ત્યાં મૂકી આવ્યા પછી સૌની ઉંઘ ઉડી પણ ત્યાં સુધીમાં કૃષ્ણ સહીસલામત યમુનાને પેલે પાર પહોંચી ગયા હતા.
મહાભારત અને પુરાણોમાં વર્ણવાયેલી કૃષ્ણ જન્મની આ બહુ જાણીતી કથા છે તેથી વધારે વિગતોમાં નથી ઉતરતા પણ ગોકુળ અને પછી
વૃંદાવનમાં ઉછરેલા કૃષ્ણે બાળપણથી જ પોતાનાં પરાક્રમોથી સૌને અહેસાસ કરાવી દીધેલો કે, પોતે સાધારણ બાળક નથી. કૃષ્ણની જીવનકથા બહુ લાંબી છે તેથી તેની વાત નથી કરવી પણ ભારતીય પરંપરામાં કૃષ્ણ એક યુગ પ્રવર્તક છે. ભારતીય પરંપરા પર કૃષ્ણ જેવો પ્રભાવ બીજું કોઈ ઉભું કરી શક્યું નથી. સત્યને સાથ અને અન્યાયી-અત્યાચારીનો નાશ જેવા મૂળભૂત ભારતીય સિધ્ધાંતોથી માંડીને નૃત્ય-સંગીત જેવા મનોરંજન પર પણ કૃષ્ણનો પ્રભાવ છે. ભારતમાં કૃષ્ણનો પ્રભાવ ના હોય એવું કશું જ નથી.

કૃષ્ણ કેટલું જીવ્યા હતા ?
ભગવાન કૃષ્ણ લગભગ ૫ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એવું મનાય છે. હિન્દુ પંચાંગ અનુસાર કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં મધ્યરાત્રિએ મથુરાના કારાગૃહમાં થયો હતો પણ વર્ષ ક્યું એ નક્કી નથી. પૌરાણિક દસ્તાવેજો મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર આશરે ૧૨૫ વર્ષ અને ૬ મહિના જીવ્યા હતા પણ આ સમયગાળો ક્યો હતો એ પણ સ્પષ્ટ નથી.
ટેકનોલોજીના વિકાસ પછી પૌરાણિક ગ્રંથો, ખગોળીય ગણતરીઓ અને જ્યોતિષીય સંશોધનોને આધારે હાલમાં સૌથી પ્રચલિત ઈસવી સન પ્રમાણે કૃષ્ણનો જન્મ ક્યારે થયેલો તેની ગણતરી કરાઈ છે. એ પ્રમાણે મોટા ભાગનાં તારણો કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઈસવી સન પૂર્વે ૩૨૨૮ કે ૩૨૨૯માં થયો હતો. તેમાં ઈસવી સનના ૨૦૨૬ વર્ષ ઉમેરો તો ૫૨૫૫ વર્ષ થાય. વિદ્વાનો અને સોફ્‌ટવેરના આધારે થયેલી ગણતરીઓ પ્રમાણે ઈસવી સન ૩૨૨૮માં અથવા ૩૨૨૯માં ૧૮ કે ૧૯ જુલાઈના રોજ મધ્યરાત્રિએ ૧૨ઃ૦૦ વાગ્યે થયો હતો. આ ગણતરી પ્રમાણે, કૃષ્ણે ઈસવી સન પૂર્વે ૩૧૦૨ના રોજ ૧૮ ફેબ્રુઆરીના દિવસે જીવનલીલા સંકેલી લીધી હતી. મતલબ કે, કૃષ્ણ ૧૨૫ વર્ષ અને ૭ મહિના જીવ્યા હતા.
ભગવાન કૃષ્ણના નિર્વાણના દિવસથી પૃથ્વી પર ‘કળિયુગ’ની શરૂઆત થઈ એવી હિંદુઓની માન્યતા છે.

જન્માષ્ટમી આખા ભારતમાં ઉજવાય છે.
કૃષ્ણ વૈષ્ણવ સંપ્રદાયમાં વધારે પૂજાય છે પણ તેમનો જન્મોત્સવ આખા ભારતમાં ઉજવાય છે. ઉત્તર ભારતના બ્રજ પ્રદેશમાં જન્માષ્ટમી સૌથી મોટો તહેવાર છે , મથુરા કૃષ્ણની જન્મભૂમિ છે જ્યારે
ગોકુળ-વૃંદાવનમાં કૃષ્ણ મોટા થયા પણ કૃષ્ણની કર્મભૂમિ આખું ભારતવર્ષ છે તેથી કૃષ્ણ સૌના છે. બ્રજમાં જન્માષ્ટમી રાસલીલા પરંપરા સાથે ઉજવવામાં આવે છે, કૃષ્ણના પરાક્રમોનું વર્ણન કરતી કવિતાઓનું મંચન પણ થાય છે. જમ્મુ ક્ષેત્રમાં જન્માષ્ટમીને થોગરે/ઠાકુરે દા વ્રત એટલે કે ઠાકુરશ્રી કૃષ્ણને સમર્પિત વ્રત) તરીકે ઉજવણી કરી સંપૂર્ણ ફલાહારી વ્રત રખાય છે. જમ્મુમાં જન્માષ્ટમીએ પતંગ ઉડાવવાની મોસમની શરૂઆત થાય છે અને લોકો શણગારેલા પતંગ ઉડાવે છે. જમ્મુ ક્ષેત્રમાં ડોગરા પૂર્વજો અને કુલદેવતાઓના નામે અનાજનું દાન કરીને દિયા પર્વ ઉજવે છે. સ્ત્રીઓ પવિત્ર વૃક્ષની પૂજા કરે છે અને દ્રૌપદ નામની ખાસ રોટલી બનાવીને ગાય અને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. કાશ્મીરી પંડિતો જન્માષ્ટમીને ઝરમ સતમ તરીકે ઉજવે છે.
મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીની ઉજવણી દહીં હાંડી દ્વારા કરાય છે. કૃષ્ણ બાળપણમાં માખણની ચોરી કરતા હતા તેની નકલ કરીને યુવાઓ માનવ પિરામિડ બનાવીને ઉંચે લટકાવેલી હાંડી તોડીને તેમાં રહેલી સામગ્રીને પ્રસાદ તરીકે વહેંચે છે. ગુજરાતમાં ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં ભવ્ય જન્મોત્સવ મનાવાય છે. ડાકોરમાં પણ ભવ્ય ઉજવણી થાય છે અને ઠેર ઠેર દહીં હાંડી કાર્યક્રમો થાય છે. કચ્છમાં ખેડૂતો બળદગાડાંને શણગારીને સમૂહ ગાયન અને નૃત્ય સાથે કૃષ્ણ સરઘસ કાઢે છે.
તમિલનાડુમાં લોકો કોલમ (ચોખાના લોટથી બનાવેલી સુશોભન પેટર્ન)ની રંગોળી બનાવે છે અને કૃષ્ણને બાળક તરીકે દર્શાવવા ઘરના ઉંબરાથી પૂજા ખંડ સુધી નાના પગ દોરવામાં આવે છે. ઘરમાં કૃષ્ણના આગમનને દર્શાવવાની આ અનોખી પરંપરા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં શ્લોકોનું પઠન અને ભક્તિ ગીતો જ્વારા ઉજવણી કરાય છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના કૃષ્ણ અને હિન્દુ વૈષ્ણવ સમુદાયો દ્વારા જન્માષ્ટમીની વ્યાપક ઉજવણી કરવામાં આવે છે. આ પ્રદેશોમાં કૃષ્ણની ઉજવણીની વ્યાપક પરંપરા ૧૫મી અને ૧૬મી સદીના શંકરદેવ અને ચૈતન્ય મહાપ્રભુના પ્રયાસો અને ઉપદેશોને આભારી છે . ઓડિષા એ બંગાળમાં પણ ભવ્ય ઉજવણી થાય છે.

કૃષ્ણના સિધ્ધાંતોને હિંદુઓ ભૂલી ગયા છે.
હિંદુઓમાં ભગવાન કૃષ્ણ એક આદર્શ મનાય છે. કૃષ્ણ ભગવાનનો અવતાર હતા પણ માણસ તરીકે જ જીવ્યા અને માણસ તરીકે જ સ્વગમન થયા. પોતાના જીવન અને કર્મો દ્વારા ભગવાન કૃષ્ણે ભારતીયોને કેવું જીવન જીવવું જોઈએ તેનો અદ્‌ભૂત આદર્શ આપ્યો પણ હિંદુઓ કૃષ્ણને કદાચ સમજ્યા જ નથી એટલે કૃષ્ણની કોરી ભક્તિ કરી ખાય છે, તેમના રસ્તે ચાલતા નથી.
કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કઈ છે ?
હંમેશાં સત્ય અને ધર્મનો સાથ આપો. અન્યાય સામે લડો અને પાપી પોતાનો સગો હોય તો તેની સામે પણ યુધ્ધ કરતાં ખચકાશો નહીં, તેનો નાશ કરતાં સંકોચ ના અનુભવો. કૃષ્ણો મહાભારતના યુધ્ધ વખતે અર્જુનને આપેલા ભગવદ્‌ ગીતાના ઉપદેશમાં પણ આ જ વાત કરી છે. પોતાના પિતરાઈ, કાકા, મામા, ગુરુ વગેરેને સામે જોઈને ઢીલા પડી ગયેલા અર્જુનને કૃષ્ણે યુધ્ધ માટે તૈયાર કરવા એ જ કહેલું કે, આ યુધ્ધ ધર્મ માટેનું છે.
કૃષ્ણે પોતાના સગા મામા કંસને મારી નાંખ્યો કેમ કે કંસ અત્યાચારી હતો. કૃષ્ણે પોતાની માસીના છોકરા શિશુપાલને મારી નાંખ્યો કેમ કે શિશુપાલ અત્યાચારી હતો. કૃષ્ણનું જીવન નિર્બળ લોકોની સહાય કરવાને સમર્પિત હતું. કૃષ્ણે કાળિયા નાગ સહિતનાં અનિષ્ટ તત્વોનો નાશ કર્યો કેમ કે આ તત્વો લોકોને તકલીફ આપતાં હતાં, કનડતાં હતાં. કૃષ્ણે દ્રૌપદીનાં ચિર પૂર્યાં કેમ કે દ્રૌપદી નિસહાય અને લાચાર હતી. આ તો થોડાંક ઉદાહરણોની વાત કરી પણ કૃષ્ણનું આખું જીવન આ રીતે લોકોને મદદ કરવાને અને અન્યાય સામે લડવાને જ સમર્પિત છે.
હિંદુઓ ધર્મ અને સત્યને માટે લડે છે ખરા ? અન્યાય સામે અવાજ ઉઠાવે છે ખરા ? બિલકુલ નથી લડતા. બલ્કે અન્યાયીઓ અને અધર્મીઓને સાથ આપે છે અથવા ચૂપ બેસી રહે છે. હિંદુઓમાં માનસિક કાયરતા એ હદે વ્યાપેલી છે કે, તેમણે ભગવાન કૃષ્ણના અન્યાય સામે લડતા મૂળ રૂપને અવગણીને રાસ-લીલા રમતા ને ગોપીઓ સાથે મસ્તી કરતા કૃષ્ણ જ સાચા કૃષ્ણ હોય એ રીતનો માહોલ ઉભો કરી દીધો છે.
કૃષ્ણને ભગવાન માનતા અને તેમનામાં શ્રધ્ધા ધરાવતા દરેક હિંદુઓ આ જન્માષ્ટમીએ મૂળ કૃષ્ણને પાછા જીવંત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. કૃષ્ણનો નાનો અંશ પણ પોતાનામાં જાદૃત કરવો જોઈએ અને અન્યાય તથા અધર્મ સામે લડવું જોઈએ.