અમરેલી તાલુકાના પીપળલગ ગામમાં અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના સમયે તળાવમાં નાહવા ગયેલા બે સગા ભાઈઓ પાણીમાં ડૂબી જતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો છે તેમજ સમગ્ર પીપળલગ ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકોના માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા. તે દરમિયાન ૧૨ વર્ષીય સંજય ભાસ્કર અને ૧૦ વર્ષીય પ્રિન્સ ભાસ્કર નામના બંને સગા ભાઈઓ ઘરે કોઈને જાણ કર્યા વગર નજીકના તળાવમાં નાહવા માટે ગયા હતા. નાહતા નાહતા બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની માહિતી મળતાં અમરેલી તાલુકા પોલીસ તેમજ ફાયર ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે ટીમે આશરે ૩૦ મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે માસૂમ બાળકોના એકસાથે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્‌યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છઠ્ઠના તહેવારના દિવસે બંને બાળકોની અંતિમક્રિયા કરવામાં આવતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.