ઉના તાલુકાના એક ગામમાં સગીરા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સગીરાના પરિવારજનોએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગામના જ એક યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, સગીરા પરિવાર સાથે ખેતીકામ પૂર્ણ કરીને ઘરે આવી હતી અને રાત્રિના સમયે ગામમાં દૂધ આપવા ગઈ હતી. દૂધ આપીને પરત ફરતી વખતે ગામની શાળા પાસે મહેશ ઉર્ફે મયુર રણુભાઈ બાંભણીયાએ તેનો પીછો કર્યો હતો. આરોપીએ પાછળથી સગીરાનો હાથ પકડી તેને અંધારાવાળા સ્થળે લઈ જવાનો પ્રયાસ
કરી અડપલા કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સગીરાએ બૂમાબૂમ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને જોઈ આરોપી
દીવાલ કૂદીને ભાગી ગયો હતો. બીજા દિવસે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.









































