ગીર સોમનાથ જિલ્લામાં ઓવરલોડ તથા ખનીજ વહન કરતા વાહનો સામે આરટીઓ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક જે. એ. ટાંકના જણાવ્યા મુજબ આજે ઓવરલોડ ખનીજ વહન કરતા ત્રણ ડમ્પરને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરમાં મોટા પથ્થરોનું વહન થતું હોવાનું સામે આવ્યું હતું. ખનીજ ચોરીની શંકાને પગલે ખાણ-ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ઓગસ્ટ દરમિયાન આરટીઓએ કુલ ૨૮૮ ચલણ ઇશ્યૂ કરી રૂ. ૧૧,૦૧,૬૨૯નો દંડ વસૂલ્યો હતો. વિભાગે વાહનચાલકોને ઓવરલોડિંગ ટાળી તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.