ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ તથા ઉત્પાદન સામે રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.
રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી આવા ઉત્પાદનો સામે પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે અને હવે તેની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.
સરકારનો આ આદેશ માત્ર ચોક્કસ બ્રાન્ડ અથવા નામથી વેચાતા ગુટખા સુધી મર્યાદિત નથી. તમાકુ કે નિકોટીન ધરાવતા પાન મસાલા તેમજ અલગ-અલગ વેચાતા એવા ઘટકો, જેને ભેગા કરીને અંતિમ રીતે ગુટખા અથવા પાન મસાલા તૈયાર કરવામાં આવે છે, તેમના પર પણ પ્રતિબંધ લાગુ રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ કે વેચાણ કરતા લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આથી વેપારીઓ અને ઉત્પાદકોને પ્રતિબંધિત વસ્તુઓના વ્યવહારમાંથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગની યાદીમાં તમાકુ અને નિકોટીનયુક્ત ઉત્પાદનોના સેવનથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મોઢાના કેન્સર સહિતની ગંભીર બીમારીઓના જાખમને ધ્યાનમાં રાખીને આવા ઉત્પાદનોના ઉપયોગને રોકવા માટે સરકાર દ્વારા પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પરનો પ્રતિબંધ વર્ષ ૨૦૧૨થી સતત અમલમાં છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે પ્રતિબંધની મુદત ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ સામે તંત્રની કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.









































