ગાંધીનગરના સેક્ટર-૫/બીમાં ૩૦ ઓગસ્ટની સાંજે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ગાંધીનગર પરત આવેલા પરિવારના ૧ વર્ષ અને ૯ માસના માસૂમ પુત્ર અરહાનને ઉબેર કારે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન બાળકનું મોત થતાં અજમેરી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સેક્ટર-૫/બી, પ્લોટ નંબર ૬૧૮/૧ ખાતે રહેતા એઝાઝ અનવરભાઈ અજમેરી મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની મેહજબીન પોતાની ૮ વર્ષની પુત્રી ઈનાયા અને ૧ વર્ષ ૯ માસના પુત્ર અરહાન સાથે અમદાવાદના જુહાપુરા સ્થિત પિયરેથી ગાંધીનગર પરત આવી રહ્યાં હતાં.
તેમની બહેને અમદાવાદથી ગાંધીનગર આવવા માટે ઉબેર કેબ બુક કરી આપી હતી. મારુતિ સુઝુકી કાર સાંજે આશરે પોણા પાંચ વાગ્યે પરિવારના ઘર આંગણે પહોંચી હતી.
ઘરે પહોંચ્યા બાદ મેહજબીનબેને સૌપ્રથમ નાના પુત્ર અરહાનને કારમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની ૮ વર્ષની પુત્રી સાથે કારમાંથી સામાન ઉતારી રહ્યાં હતાં.
આ દરમિયાન ડ્રાઈવરે કોઈ પૂરતી તકેદારી રાખ્યા વિના અચાનક કાર આગળ હંકારી હતી. જેના કારણે કારના આગળના ડાબા ભાગે માસૂમ અરહાન અડફેટે આવી ગયો હતો. ઉબેર ચાલકની બેદરકારીથી બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.
બાળક કારની અડફેટે આવતાં જ માતાએ બૂમાબૂમ કરી હતી. પરિવારના સભ્યો પણ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ કાર રોકવા માટે બૂમો પાડી હોવા છતાં ચાલક કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અકસ્મતમાં અરહાનના માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવાથી તેને તાત્કાલિક પડોશી મંથનભાઈની કારમાં ગાંધીનગર સિવિલ હોÂસ્પટલ લઈ જવામાં આવ્યો હતો.
હોÂસ્પટલના ઈમરજન્સી વાર્ડમાં તબીબોએ બાળકની સારવાર શરૂ કરી હતી. જાકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન અરહાનનું મોત થયું હતું. માસૂમના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
પિતાએ નોંધાવેલી ફરિયાદમાં ફરાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધી આરોપી ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કાર અને ચાલક અંગેની વિગતોના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ઘર આંગણે વાહન ચલાવતી વખતે પણ કેટલી તકેદારી જરૂરી છે તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર થોડી ક્ષણની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનું માસૂમ સંતાન ગુમાવ્યું છે.









































