તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાના પીડિતોની સહાય અને મૃતકોની આત્મશાંતિ માટે સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે વિશેષ પ્રાર્થના યજ્ઞ યોજાયો હતો. સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVPના ઋષિકુમારો અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ગાયત્રી યજ્ઞમાં ભાગ લીધો હતો. મંત્રોચ્ચાર સાથે સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ આહુતિઓ અર્પણ કરી નેપાળના પૂરગ્રસ્તો માટે પ્રાર્થના કરવામાં આવી હતી. માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રકૃતિ સાથેના માનવજાતના અનિયંત્રિત હસ્તક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ પૂરગ્રસ્ત પરિવારોના બાળકોના અભ્યાસ માટે SGVP દ્વારા ‘વિદ્યા સહાય’ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.









































