સાવરકુંડલા-રાજુલા હાઇવે પર થોરડી અને મોટા આગરીયા ગામ વચ્ચે એક અત્યંત કરુણ અને અરેરાટીભરી ઘટના સામે આવી હતી. રાત્રિના સમયે મોટરસાઇકલ પર જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું અચાનક હૃદયરોગનો હુમલો આવી જવાથી મોત નીપજ્યું હતું.મૂળ માલકનેસ ગામના અને હાલ વાવેરા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઇ રૂખડભાઇ મકવાણા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના પત્ની ભાનુબેન સાથે મોટરસાઇકલ પર થોરડીથી મોટા આગરીયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં સામેથી આવી રહેલા એક મોટા વાહનની તીવ્ર લાઈટ આંખોમાં પડતાં રસ્તો દેખાતો બંધ થઈ ગયો હતો. સંભવિત અકસ્માત ટાળવા માટે તેમણે તાત્કાલિક જોરદાર બ્રેક મારી હતી. અચાનક લાગેલી બ્રેક અને ભયના કારણે પાછળ બેઠેલા પત્ની ભારે ગભરાટમાં મુકાઈ ગયા હતા અને તેમને સ્થળ પર જ હૃદયરોગનો ગંભીર હુમલો આવી ગયો હતો, જેના પગલે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઇ ભાનુભાઇ મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.










































