રાજકોટ ગ્રામ્ય AHTU પોલીસે ગોંડલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શ્યામ વાડી ચોક ખાતે આવેલા ધ ઇમ્પીરિયલ વેલનેસ સ્પામાં દરોડા દરમિયાન ગ્રાહકોને બોલાવી મહિલાઓ મારફતે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્પાના મેનેજર જગદીશભાઈ રાઠોડ અને માલિક સરીતા લામા વિરુધ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન સ્પામાંથી પાસ કે પરમિટ વગરની બ્લેક ડોગ વિસ્કીની બે બોટલ સહિત રૂ.૨૯,૦૧૬નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આ અંગે અલગથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ઉપરાંત, અન્ય બે સ્પા સેન્ટરોમાં પોલીસ વેરિફિકેશન વિના પરપ્રાંતીય મહિલાઓને કામે રાખવા બદલ સંચાલકો સામે BNS કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરાઈ છે.